ભારત-યુકે ટ્રેડ ડીલ પર મહોર, જાણો કઈ ચીજવસ્તુઓ થશે સસ્તી
Free Trade Agreement: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની મુલાકાતે છે. આ દરિમયાન તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી. ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ અને તેમાં મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
દ્વિપક્ષીય સંબંધો વિશે કરી ચર્ચા
ભારત-બ્રિટન વેપાર કરાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કરાર કરતાં પહેલાં તેમણે બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર અને કિંગ ચાર્લ્સ તૃતીય સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી અને બંને દેશોના સંબંધ વિશે ચર્ચા કરી હતી.
હજારો લોકોને મળશે રોજગાર: PM મોદી
પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ જણાવ્યું, કે 'આ ટ્રેડ ડીલના કારણે ભારતના કપડાં ઉદ્યોગ, ચામડા ઉદ્યોગ, રત્ન-આભૂષણ ઉદ્યોગ અને કૃષિ-દરિયાઈ પ્રોડક્ટ્સના ઉદ્યોગને લાભ મળશે. જેના કારણે હજારોની સંખ્યામાં રોજગાર પેદા થશે અને રોકાણ વધશે. બ્રિટન પોતાની છ યુનિવર્સિટીના કેમ્પસ ભારતમાં ખોલશે.
આ પણ વાંચોઃ ઑસ્ટ્રેલિયામાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, દીવાલો પર લખ્યા ઉશ્કેરણીજનક મેસેજ
આર્થિક વિકાસ માટેની મોટી જીત: સ્ટાર્મર
કરાર પહેલાં વડાપ્રધાન સ્ટાર્મરે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમે જે ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, તે નોકરી અને આર્થિક વિકાસ માટેની એક મોટી જીત છે. આ કરાર હેઠળ ટેરિફમાં કાપથી લઈને કપડાં, જૂતા અને ખાદ્ય ઉત્પાદનોની કિંમત સસ્તી થશે.
વ્હિસ્કી થશે સસ્તી
ભારત અને યુકે વચ્ચે ટ્રેડ ડીલ બાદ ભારતથી જે વસ્તુઓની નિકાસ થાય છે તેમાંથી 99 ટકા વસ્તુઓ પર બ્રિટન ટેરિફ ઘટાશે. જ્યારે ભારત બ્રિટનની 90 ટકા પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાશે. ભારત બ્રિટનની વ્હિસ્કી, કાર, ચોકલેટ, બિસ્કિટ પર ટેરિફ ઘટાડશે. વ્હિસ્કી પર 150 ટકા ટેરિફ છે તે ઘટાડીને 90 ટકા કરી દેવાશે. આગામી 10 વર્ષમાં 90થી ઘટાડીને 40 ટકા કરી દેવાશે.
બ્રિટન ભારતના જૂતાં-ચંપલ, ટેક્સટાઈલ, આભૂષણ, ઓટો પાર્ટ્સ પર ટેરિફ ઘટાડશે.
ભારતમાં કઈ વસ્તુઓ થશે સસ્તી?
ઈલેક્ટ્રોનિક્સ
કપડાં
મરીન પ્રોડક્ટ્સ
સ્ટીલ અને મેટલ
સ્કોચ વ્હિસ્કી અને જિન
જ્વેલરી
નિસાન, ટોયોટાથી લઈને રોલ્સરોયસ, જેગુઆર, લેન્ડરોવરની કાર
બ્રાન્ડેડ કોસ્મેટિકનો સામાન
ચોકલેટ અને બિસ્કિટ
શું છે FTA?
FTA (મુક્ત વેપાર કરાર) બે દેશો વચ્ચેના વેપારને સરળ બનાવનારો કરાર છે. જે હેઠળ બંને દેશ એકબીજાના ઉત્પાદન પર લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટી, ટેરિફ અથવા ટેક્સને ઓછો કરે છે કાં તો ખતમ કરે છે. નોંધનીય છે કે, ભારત અને યુકે વચ્ચે FTAને લઈને ત્રણ વર્ષથી વાટાઘાટો થઈ રહી છે.
આ કરારથી ચામડું, જૂતા અને કપડાંને ઓછા ભાવે નિકાસ કરવું સંભવ થશે. જોકે, બ્રિટનથી વ્હિસ્કી અને કારની આયાત સસ્તી થશે. મોદી કેબિનેટે બુધવારે (23 જુલાઈ) ATFને મંજૂરી આપી હતી. આ કરાર પર હસ્તાક્ષર બાદ બ્રિટિશ સાંસદની મંજૂરી લેવામાં આવશે, ત્યાર બાદ તે લાગુ થશે.