એશિયાના બે દેશો વચ્ચે યુદ્ધ: થાઇલૅન્ડની એરસ્ટ્રાઇક બાદ કંબોડિયાનો રોકેટ અને ડ્રોનથી હુમલો
Thailand Cambodia Border Dispute: થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે ગુરુવારે (24 જુલાઈ) સરહદી વિવાદે ઉગ્ર રૂપ લઈ લીધું છે અને બંને દેશોના સૈનિકોએ એકબીજા પર ગોળીબાર અને એર હવાઈ હુમલા કર્યા હતા. કંબોડિયાએ કહ્યું કે, બંને દેશો વચ્ચે થયેલા સરહદી ઘર્ષણમાં ગોળીબાર થયો હતો. જોકે, બંને દેશોએ એકબીજા પર ગોળીબારનો આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે 6થી વધુ સરહદી વિસ્તારમાં ઘર્ષણ જોવા મળ્યું હતું, જેમાં એક નાગરિકનું મૃત્યુ થયું અને અનેક ઈજાગ્રસ્ત થયા હતા. સ્થિતિ બગડતાં થાઇલૅન્ડે હવાઈ હુમલા કર્યા હતા અને કંબોડિયાએ તેના જવાબમાં ગોળીબારની કાર્યવાહી કરી હતી.
હવાઈ અને ડ્રોન હુમલો
24 જુલાઈએ થાઇલૅન્ડે કંબોડિયાના સૈન્ય ઠેકાણા પર F-16 ફાઇટર જેટ્સથી હવાઈ હુમાલ કર્યા હતા, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ હુમલા સરહદ પર વિવાદિત મંદિરો પાસે કરવામાં આવ્યો હતો. વળી, કંબોડિયાએ પણ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. થાઇલૅન્ડને વળતો જવાબ આપવા રૉકેટ અને આર્ટિલરી ફાયર કર્યા. આ ઘટનામાં 40 હજાર લોકોએ વિસ્થાપન કરવું પડ્યું હતું. આ હુમલામાં નવ લોકોના મોત અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
થાઇ સૈનિકોએ પહેલાં કર્યો ગોળીબાર
થાઇલૅન્ડની સેનાએ કહ્યું કે, કંબોડિયાના સૈનિકોએ ખમેર મંદિર તા મુએન થૉમ નજીક ગોળીબાર કર્યો હતો. આ વિસ્તારમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થોડા અઠવાડિયાથી તણાવ ખૂબ વધી ગયો છે. જોકે, કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, થાઇ સૈનિકોએ પહેલાં ગોળીબાર કર્યો હતો બાદમાં અમારા સૈનિકોએ આત્મરક્ષા માટે જવાબી કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચોઃ રશિયાનું વિમાન ગુમ થતાં હડકંપ; 50 મુસાફરો સવાર હતા, ATC સાથે સંપર્ક તૂટ્યો
બે સૈનિકો થયા ઘાયલ
થાઇ સેનાએ જણાવ્યું કે, કંબોડિયાએ ભારે હથિયારોથી સજ્જ સૈનિકો તૈનાત કરતા પહેલાં વિસ્તારની તપાસ કરવા ડ્રોન મોકલ્યું હતું. આ ગોળીબારમાં ઓછામાં ઓછા બે થાઇ સૈનિક ઘાયલ થયા છે.
કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા માલી સોચેતાએ કહ્યું કે, 'અમારા સૈનિકોએ થાઇ સૈનિકોના આક્રમણ સામે પોતાની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાની રક્ષા કરવા માટે પોતાના અધિકારનો પ્રયોગ કર્યો. થાઇલૅન્ડે કંબોડિયાની પ્રાદેશિક અખંડતાનું ઉલ્લંઘન કર્યું છે.
કંબોડિયાના નેતાઓએ શું કહ્યું?
કંબોડિયાના પૂર્વ નેતા હુન સેને ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, થાઇ સેનાએ કંબોડિયાના બે પ્રાંત પર ગોળીબાર કર્યો હતો. આ સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે, ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી લંડન પહોંચ્યા, ભારત-બ્રિટન વચ્ચે આજે ઐતિહાસિક સમજૂતિ થશે, FTA લાગુ થશે
શાંતિપૂર્ણ સમાધાનની કરી વાત
વળી, કંબોડિયાના પ્રમુખ હુન માનેટે ફેસબુક પર કહ્યું કે, 'કંબોડિયાએ હંમેશા શાંતિપૂર્ણ રીતે સમાધાન લાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પરંતુ આ વખતે અમારા પર હથિયારોથી આક્રમણ કરવામાં આવ્યું તો અમારી પાસે પણ હથિયારથી જવાબ આપ્યા સિવાયનો કોઈ વિકલ્પ નહતો.
થાઇલૅન્ડ પ્રમુખે શું કહ્યું?
થાઇલૅન્ડના કાર્યકારી પ્રમુખ ફુમથમ વેચાયાચાઇએ કહ્યું કે, કંબોડિયા સાથે તેમનો વિવાદ નાજુક સ્થિતિમાં છે અને તેને સાવધાનીપૂર્વક આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઉકલવો જોઈએ.
કેમ વકરી સ્થિતિ?
નોંધનીય છે કે, ગુરુવારે (24 જુલાઈ) બંને દેશો વચ્ચે ઘર્ષણના એક દિવસ પહેલા થાઇલૅન્ડે કંબોડિયાથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. આ સિવાય પહેલાં સરહદ પર લૅન્ડમાઇન વિસ્ફોટમાં એક થાઇ સૈનિક ઘાયલ થયો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને થાઇલૅન્ડે પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. બુધવારે થાઇલૅન્ડે કહ્યું કે, અમે કંબોડિયાના રાજદૂતને દેશમાંથી બહાર કરી દઈશું. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં બંને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં એક કંબોડિયાના સૈનિકનું મોત થયું હતું અને તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ આવી ગયો હતો. ગત મહિને બંને દેશોએ એકબીજા પર કડક પ્રતિબંધો લગાવ્યા અને સરહદ પર સૈનિકોની સ્થિતિ વધારી દીધી.