ભારત-યુકે ટ્રેડ ડીલ તો માત્ર શરૂઆત, અમેરિકા જ નહીં આટલા દેશો સાથે થઈ શકે છે મુક્ત વેપાર સમજૂતી
Image: AI Gemini |
Free Trade Deal With India: ભારતની વર્તમાન વેપાર વ્યૂહરચના સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહી છે. બ્રિટન સાથે તાજેતરમાં થયેલા વ્યાપક આર્થિક વેપાર કરાર (CETA) એ ભવિષ્યમાં મોટા વેપાર સોદાઓનો માર્ગ મોકળો બનાવ્યો છે. આ કરારથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત ફક્ત 'Win-Win' ડીલ કરશે. તેના પર બળજબરી અને એકતરફી જોર કરી શકાશે નહીં. નિષ્ણાતો માને છે કે ભારત-બ્રિટન કરાર ફક્ત એક શરૂઆત છે. તે આત્મવિશ્વાસથી ભરેલી વ્યૂહાત્મક વેપાર શક્તિ તરીકે ઉભરી રહ્યો છે.
ભારત સાથે વેપાર કરવા ઘણા દેશો લાઈનમાં
ભારત પાસે વૈશ્વિક વેપારના નિયમોને પોતાની તરફેણમાં ફેરવવાની શક્તિ છે. આવનારા સમયમાં થનારા અન્ય મોટા કરારો આ દ્રષ્ટિકોણને વધુ સ્પષ્ટ બનાવશે. એક નહીં, પરંતુ ઘણા દેશો ભારત સાથે વેપાર કરાર કરવા માટે આતુર છે.
હજારો નોકરીનું સર્જન, વેપારને વેગ
ભારત અને બ્રિટન વચ્ચે 24 જુલાઈના રોજ વ્યાપક આર્થિક વેપાર કરાર (CETA) પર હસ્તાક્ષર થયા હતા. આ ભારતની નવી વેપાર નીતિનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. આ કરાર બંને દેશોની અર્થવ્યવસ્થાને વેગ આપવા ઉપરાંત 99% ભારતીય નિકાસ પરના ટેરિફને દૂર કરશે. આનાથી હજારો નોકરીઓ સર્જાશે. બ્રિટિશ વ્હિસ્કી અને કાર પર ઘટાડવામાં આવેલા ટેરિફથી ભારતીય ગ્રાહકોને પણ ફાયદો થશે. આ કરાર દર્શાવે છે કે ભારત હવે ફક્ત વોલ્યુમ-આધારિત વેપાર વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું નથી, તેના બદલે, તે ગુણવત્તા અને સંતુલિત કરારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલના મતે, આ કરાર એવા વિકસિત દેશો સાથે વેપાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે, જેમના ઉત્પાદનો અને સેવાઓ ભારત માટે પૂરક છે. સ્પર્ધાત્મક નહીં.
આ પણ વાંચોઃ ક્રિમિનલની જેમ ભાગતા ઓબામાનો પોલીસ બની પીછો કરતાં ટ્રમ્પ, ફરી AI Meme વાઈરલ
આ દેશો પણ કરશે મુક્ત વેપાર કરાર
અમેરિકા સાથે વાતચીત: અમેરિકા સાથે વેપાર મંત્રણા અંતિમ તબક્કે છે. ભારતીય અધિકારીઓને અપેક્ષા છે કે, તેઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025 સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કરશે. ભારતે કૃષિ, ડેરી અને GM પાક જેવા કેટલાક મુદ્દાઓ પર તેની 'લક્ષ્મણ રેખા' દોરી છે. તે આ બાબતે સમાધાન કરવા તૈયાર નથી. જે ભારતની મજબૂત સ્થિતિ દર્શાવે છે. તે દર્શાવે છે કે તે રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન કરશે નહીં.
યુરોપિયન યુનિયન સાથે મંત્રણા: યુરોપિયન યુનિયન (EU) સાથે પણ વેપાર મંત્રણા ઝડપથી આગળ વધી છે. ભારત અને EU વચ્ચે ટ્રેડ એન્ડ ટેક્નોલોજી સમિટ (TTC) ની બીજી બેઠક તાજેતરમાં યોજાઈ છે. EU ભારતના સૌથી મોટા વેપાર ભાગીદારો પૈકી એક છે. મુક્ત વેપાર કરાર (FTA) આ સંબંધને વધુ મજબૂત બનાવશે. જો કે, બંને વચ્ચે સેનિટરી એન્ડ ફાયટોસેનિટરી (SPS) પગલાં જેવા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મતભેદો છે.
ઓમાન સાથે ડીલઃ ઓમાન સાથે FTA લગભગ અંતિમ સ્વરૂપમાં છે. ટૂંક સમયમાં હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તે ગલ્ફ ક્ષેત્રમાં ભારતની વેપાર પહોંચને વિસ્તરિત કરશે.
અન્ય દેશો સાથે વાટાઘાટો: ભારત ચિલી, પેરુ અને ન્યુઝીલેન્ડ જેવા દેશો સાથે FTA પર પણ વાટાઘાટો કરી રહ્યું છે, જે તેની વૈશ્વિક વેપાર પહોંચને વૈવિધ્યીકરણ કરવાની ભારતની વ્યૂહરચનાનો એક ભાગ છે.