India-Bangladesh Controversy : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ થઈ છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે લગાવેલા આરોપોનો ભારતે કડક શબ્દોમાં જવાબ આપી કહ્યું છે કે, ‘ભારતે ક્યારેય પણ પોતાની જમીનનો ઉપયોગ બાંગ્લાદેશ વિરુદ્ધની ગતિવિધિઓ માટે થવા દીધો નથી અને અમે હંમેશા બાંગ્લાદેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓના પક્ષમાં રહ્યા છીએ.’
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના આક્ષેપો નકાર્યા
ભારતના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની વચગાળાની સરકારના આરોપોને નકારી દીધા છે. મંત્રાલયે કહ્યું છે કે, ‘આ મુદ્દે ભારતની નીતિ પહેલા જેવી જ છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. ભારત સતત એવું કહી રહ્યું છે કે બાંગ્લાદેશમાં શાંત વાતાવરણમાં, તમામ પક્ષોને સામેલ કરીને, ભરોસાપાત્ર ચૂંટણી થવી જોઈએ.’
બાંગ્લાદેશે શું આરોપ લગાવ્યા?
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશે ભારતમાં તૈનાત તેમના હાઇ કમિશનર પ્રણય વર્માને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા હતા. બાંગ્લાદેશે ભારતમાં રહેતા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ઢાકાનો આરોપ છે કે, શેખ હસીના ભારતમાંથી એવા નિવેદનો આપી રહ્યાં છે, જે બાંગ્લાદેશમાં નેતાઓ અને કાર્યકરોને હિંસક અને આતંકી ગતિવિધિઓ માટે ઉશ્કેરી શકે છે.
ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી બાંગ્લાદેશની
બાંગ્લાદેશના આક્ષેપો બાદ ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, ‘તેઓ બાંગ્લાદેશને અસ્થિર કરવાના કોઈ પણ પ્રયાસમાં સામેલ નથી. ભારતે ક્યારેય પણ પોતાની જમીન પરથી બાંગ્લાદેશના લોકોના હિતો વિરુદ્ધની ગતિવિધિઓને મંજૂરી આપી નથી. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી બાંગ્લાદેશની વચગાળાની સરકારની છે. બાંગ્લાદેશ સરકાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત ચૂંટણીઓ યોજવા માટે તમામ જરૂરી પગલાં લેશે.’
આ પણ વાંચો : રૂ.1000 કરોડનું સાયબર કૌભાંડ: લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58 કંપનીઓ


