ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી

- સંબંધો સામાન્ય બનાવવા ભારત અને ચીનના પ્રયાસ
- બિઝનેસ વિઝા ચાર સપ્તાહમાં મળી શકશે, અન્ય બધા જ વિઝા માટેની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં
નવી દિલ્હી : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકા સાથે સંબંધોમાં ઉતાર-ચઢાવ વચ્ચે ભારતે પૂર્વીય લદ્દાખમાં સરહદના વિવાદ છતાં ચીન સાથે સંબંધો સુધારવા પહેલ કરી છે. ભારતે ચીનમાંથી ટૂંકા સમય માટે ભારત આવતા પ્રોફેશનલ્સ માટે વિઝા પ્રક્રિયા ઝડપી કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે વિઝા આપવા માટેની તપસામાં લાગતો સમય ઘટાડીને મહિનાની અંદર ચીનની કંપનીઓને બિઝનેસ વિઝા આપવાની યોજના બનાવી છે. જોકે, ચીનના બધા વિઝા અરજદારોની વર્તમાન તપાસ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરાયો નથી તેમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું. અગાઉ ટૂંકા સમય માટે ભારત આવતા ચીનના પ્રોફેશનલ્સને એમ્પ્લોયમેન્ટ વિઝા અથવા 'ઈ' વિઝા અપાતા હતા, જેની વેલિડિટી છ મહિના અથવા વધુ હતી. હવે સરકારે ચીનના પ્રોફેશનલ્સને બિઝનેસ વિઝા આપવાનો નિર્ણય કર્યો છે, જે ટૂંકા સમય માટે વેલિડ હોય છે. વિઝા નિયમોમાં કરાયેલો આ સુધારો બધા જ દેશોના અરજદારો પર લાગુ પડશે, પરંતુ તેનાથી મોટાભાગે ચીનના પ્રોફેશનલ્સને સૌથી વધુ લાભ થશે તેમ મનાય છે.
દેશમાં અનેક સેક્ટરમાં ચીનના ઈક્વિપમેન્ટ અને મશીનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે ત્યારે કંપનીઓને આ ઈક્વિપમેન્ટ અને મશીનો માટે ટેકનિકલ સહાય પૂરી પાડવા ચીનના નિષ્ણાતોને પ્રવાસમાં મદદ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. બિઝનેસ વિઝા માટેના બધા જ અરજદારોની પ્રક્રિયા ત્રણથી ચાર સપ્તાહમાં પૂરી થશે. પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક લગભગ ચાર વર્ષ સુધી ભારત-ચીન વચ્ચે ચાલેલા ઘર્ષણનો ગયા વર્ષે ઑક્ટોબરમાં અંત આવતા હવે બંને દેશોઓ તેમના સંબંધોને સામાન્ય કરવા વિવિધ પહેલો હાથ ધરી છે.

