Get The App

ભારતની મહાનતાઃ પીડા આપનારા દુશ્મનોને પણ મલમપટ્ટી

- વિવિધ મુદ્દે ભારતનો વિરોધ કરી રહેલું મલેશિયા કોરોનાની દવા માટે ભારતના શરણે

Updated: Apr 15th, 2020

GS TEAM

Google News
Google News
ભારતની મહાનતાઃ પીડા આપનારા દુશ્મનોને પણ મલમપટ્ટી 1 - image


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2020, બુધવાર

બશીર બદ્રના એક શેરનો અર્થ કંઈક એવો થાય છે કે, 'દુશ્મની ભલે ફાવે એટલી રાખો પરંતુ એટલું ધ્યાન રાખજો કે જ્યારે આપણે મિત્ર બની જઈએ ત્યારે શરમાવું ન પડે.' આવી જ સ્થિતિ હાલ થોડા સમય પહેલા સુધી વિવિધ મુદ્દે ભારતનો વિરોધ કરી રહેલા અનેક દેશોની છે. વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઈમાં ગેમચેન્જર ગણાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉત્પાદન મામલે ભારત વિશ્વમાં ટોચ પર છે અને આ કારણે હાલ અનેક દેશોએ તે દવા માટે ભારતને વિનંતી કરવી પડી રહી છે.

ભારતના વિરોધીઓની યાદીમાં સામેલ મલેશિયા હાલ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા માટે ભારતની આશા રાખીને બેઠું છે. નાગરિકતા સંશોધન કાયદા, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી વિવિધ મુદ્દે પૂરજોશમાં ભારતનો વિરોધ કરી રહેલું મલેશિયા આખરે ઠંડુ પડ્યું છે અને દવા માટે ભારત સામે હાથ ફેલાવી રહ્યું છે. જો કે, સામે ભારતે પણ પોતાની મહાનતા જાળવી રાખીને પીડા આપનારાઓને પણ દવા આપવાની તૈયારી દર્શાવી છે.

મલેશિયાના નાયબ વિદેશ મંત્રી કમરૂદ્દીન જફારે 14 એપ્રિલના રોજ ભારતે મલેશિયાને 89,100 ગોળીની નિકાસ કરવા મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું. ભારત સરકારે મલેશિયાને દવાના વેચાણની હામી ભરી તેનાથી બંને દેશોના સંબંધોમાં પરિવર્તનની આશા જન્મી છે. ઉલ્લેખનીય છે કે, મહાતીર મોહમ્મદના ભારત મુદ્દેના વિવાદાસ્પદ નિવેદનોને લઈ બંને દેશોના સંબંધમાં ખટાશ આવી હતી. આ ઉપરાંત મલેશિયાએ આતંકી ઝાકિર નાઈકના પ્રત્યાર્પણની ભારતની માંગને પણ નકારી દીધી હતી.

જાણવા મળ્યા મુજબ મલેશિયાએ ભારત પાસેથી હાઈડ્રોક્સીક્લોરોક્વીનની 10 લાખ ટેબ્લેટની માંગણી કરેલી છે. વિશ્વભરમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનની માંગને પગલે ભારતીય ઉત્પાદકોએ તેના ઉત્પાદનમાં 10 ગણો વધારો કરી દીધો છે અને હજુ વધુ ઉત્પાદન માટેની તૈયારી દર્શાવી છે.

Tags :