ભારતે ટ્રમ્પની દુ:ખતી રગ દબાવી! રશિયા સાથે ઈલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી માટે જરૂરી ખનીજોની ડીલ
India Russia Trade Relations: અમેરિકાના ભારે વિરોધ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે ઔદ્યોગિક સંબંધો સતત મજબૂત બની રહ્યા છે. આ બંને દેશ હવે રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનીજો)ની શોધ અને ઉત્પાદન માટે સહયોગ કરવા જઈ રહ્યા હોવાના અહેવાલ મળ્યા છે. આ ખનિજ ઈલેક્ટ્રિક ગાડીઓ, બેટરી, પવન ઉર્જા અને અન્ય ટેક્નોલોજી માટે અત્યંત જરૂરી છે. આમ ભારત અને રશિયા વચ્ચે વધી રહેલા વેપાર સંબંધો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની આંખમાં ખૂંચી રહ્યા છે.
ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી ક્રૂડ અને અન્ય ચીજો ખરીદી યુક્રેન યુદ્ધમાં તેને નાણાકીય સહાય પૂરી પાડી રહ્યુ હોવાનો આરોપ મૂકતાં 50 ટકા ટેરિફ લાદ્યો છે. તેમજ પેનલ્ટી પણ ફટકારી છે. જો કે, ભારતે સ્પષ્ટપણે કહી દીધું છે કે, તેને અમેરિકાના આ નિર્ણયનો કોઈ ફરક પડતો નથી. તે પોતાના 1.4 અબજ નાગરિકોના હિતમાં નિર્ણય લેશે. વડાપ્રધાન મોદીએ આજે નિવેદન આપ્યું હતું કે, અમારા માટે અમારા ખેડૂતોનું હિત સૌથી ઉપર છે. ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોના હિત સાથે સમાધાન કરશે નહીં.
રેર અર્થ પર કામ કરશે ભારત-રશિયા
મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત અને રશિયાએ હવે ઔપચારિક રૂપે તાંબા, લિથિયમ, કોબાલ્ટ, નિકલ જેવા રેર અર્થ મિનરલ્સની શોધ અને ઉત્પાદન પર કામ કરવાનો નિર્ણય લીધો છે. આ ખનિજોની માગ વિશ્વભરમાં વધી રહી છે. ઈલેક્ટ્રિક વાહન, બેટરી સ્ટોરેજ, વિન્ડ ટર્બાઈન અને હાઈડ્રોજન એનર્જી જેવી ઉભરતી ટેક્નોલોજીમાં આ દુર્લભ ખનિજોનો વપરાશ વધ્યો છે. જેથી ભારત અને રશિયા ભાગીદારી કરી ક્લિન એનર્જીના વધતા વ્યાપમાં આત્મનિર્ભર થવાની સાથે વૈશ્વિક બજારોમાં પોતાની પકડ મજબૂત બનાવશે. ભારત હવે રશિયા સાથે મળી આર્થિક અને ટેક્નોલોજી મોરચે ખુલીને આગળ વધી રહ્યા છે.
એરસ્પેસ અને મેન્યુફેક્ચિંગમાં પણ ભાગીદારી
દેશના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયા સાથેની ભાગીદારી માત્ર ખનિજો સુધી સીમિત નથી. બંને દેશ એરોસ્પેસ સાયન્સ અને ટેક્નોલોજીમાં પણ હાથ મિલાવી રહ્યા છે. જેમાં હાઈ-ટેક વિન્ડ ટનલ સુવિધાનો વિકાસ કરશે. વેસ્ટ મેનેજમેન્ટ અને ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ રિસાયક્લિંગમાં પણ બંને દેશ સાથે મળી કામ કરશે.
ટ્રમ્પનો ટેરિફ બોમ્બ
ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા અગાઉ પણ બેચેન હતું. ગઈકાલે ટ્રમ્પે વધુ એક આદેશ જાહેર કરતાં ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો. અમેરિકા હવે ભારતમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર 50 ટકા ટેરિફ વસૂલી રહ્યું છે. જો કે, અમુક પ્રોડક્ટ્સમાં હજુ રાહત મળી છે. પરંતુ સૌથી વધુ નિકાસ કરતાં કપડાં, ચામડું અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ સેક્ટર પર માઠી અસર થઈ શકે છે.
ભારતના ફ્યુચર પ્લાનથી પણ અમેરિકા હેરાન
નિષ્ણાતોના મતે, ભારત સતત ઉભરતું અર્થતંત્ર બન્યું છે. તે લગભગ તમામ સેક્ટર્સમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ ગતિ કરી રહ્યું છે. વાસ્તવમાં વિશ્વની મહાસત્તા ધરાવતું અમેરિકા ભારતના ગ્રોથથી પણ હેરાન છે. વધુમાં ભારતના ફ્યુચર ટેક્નોલોજી પર વૈશ્વિક સ્તરે સ્પર્ધા આપવાના ફ્યુચર પ્લાનથી પણ અમેરિકા નારાજ હોવાના અહેવાલ છે. જેથી તે ભારત પર દબાણ બનાવવા આ પ્રકારના મનસ્વી ટેરિફ વલણો અપનાવી રહ્યું છે.