રશિયાથી ઓઇલ ખરીદવા મુદ્દે ભારત પર ટેરિફ તો ચીન પર કેમ નહીં? વ્હાઈટ હાઉસના એડવાઇઝરે જ ટ્રમ્પની પોલ ખોલી
White House Advisor On India Tariff: અમેરિકાએ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર 50 ટકા ટેરિફ અને પેનલ્ટી લાદી છે. જો કે, રશિયા સાથે અન્ય ઘણા દેશો વેપાર કરી રહ્યા હોવા છતાં ટ્રમ્પે હજુ સુધી તેમના પર કોઈ પ્રતિબંધો લાગુ કર્યા નથી. ખાસ કરીને ચીન પણ રશિયા પાસેથી ક્રૂડ સહિતની ચીજો ખરીદી રહ્યું છે. તેમ છતાં તેની વિરૂદ્ધ કોઈ પગલાં લીધા ન હોવાના સવાલ પર વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા આપી છે.
પીટર નવારોએ ટ્રમ્પની પોલ ખોલી
વ્હાઈટ હાઉસના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ચીન પર વધારાનો ટેરિફ લાદવામાં કોઈ ઉતાવળ કરશે નહીં. કારણકે, અમે વાસ્તવમાં અમને નુકસાન પહોંચાડવા માગતા નથી. ચીન પર પહેલાંથી જ અનેક ચીજો પર 50 ટકા ટેરિફ લાગુ છે. નવારોના આ નિવેદનથી ટ્રમ્પની પોલ ખૂલી ગઈ છે કે, તેઓ ચીન સાથે ટેરિફ વૉર નથી કરવા માંગતા.
આમ ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે, ચીન સાથેના કોઈ પણ મામલામાં અમેરિકા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે.
આ પણ વાંચોઃ રશિયા સાથે અનેક દેશો વેપાર કરે છે તો ફક્ત ભારત જ નિશાને કેમ? ટ્રમ્પે આપ્યો જવાબ
ચીનના ઉર્જા સંબંધો પર નજર
નવારોએ આગળ કહ્યું કે, વોશિંગ્ટન રશિયા સાથે ચીનના ઉર્જા સંબંધો પર નજર રાખી રહ્યું છે. અમે હાલ રાહ જોઈ રહ્યા છીએ, તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવાની યોજના નથી. તમને જણાવી દઈએ કે, એકબાજુ અમેરિકા રશિયા સાથે વેપાર કરનારા દેશો પર ટેરિફ અને પેનલ્ટી લાદી રહ્યું છે, બીજી તરફ રશિયાના પ્રમુખ પુતિન સાથે બેઠકો કરી મામલો ઉકેલવા પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં જ અમેરિકાના ખાસ વેપાર દૂત સ્ટીવ વિટકોફ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી મુલાકાતને અમેરિકાએ સકારાત્મક ગણાવી છે. વિટકોફ-પુતિનની મુલાકાત બાદ અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. જો કે, ચીન પર ટેરિફ લાદ્યો નથી.
ભારતને ટેરિફનો મહારાજા કહ્યો
વધુમાં ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ ભારતની વેપાર ગતિવિધિઓની ટીકા કરતાં દેશને 'ટેરિફનો મહારાજા' કહ્યો છે. તેમણે અમેરિકન સરકારના ભારત પર ટેરિફ લાદવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. બીજી બાજુ ભારતે અમેરિકાના ટેરિફ પગલાંને અયોગ્ય, ગેરવાજબી અને અન્યાયી ગણાવ્યું છે. ભારત તેની ડેરી અને કૃષિ ક્ષેત્રના હિતો પર સમાધાન કરશે નહીં.