ભારતમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે એક દિવસમાં સૌથી વધુ ૬,૧૪૮નાં મોત
વિશ્વમાં ૨૪ કલાકમાં સૌથી વધુ મોત ભારતમાં નોંધાયા
બિહારે કુલ મૃત્યુઆંકની સંખ્યા ૫,૪૪૪થી વધારી ૯,૪૦૦ કરતા દેશમાં એક દિવસમાં મોતની સંખ્યા વિક્રમી સ્તરે પહોંચી
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૦
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે, જેને પગલે કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટીને સતત ત્રીજા દિવસે એક લાખથી નીચે ૯૪,૦૫૨ રહી હતી. જ્યારે દૈનિક મોતની સંખ્યા વધીને ૬,૧૪૮ થઈ હતી. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમિતોના મોતનો આંકડો ભારત જ નહીં વિશ્વમાં સૌથી વધુ નોંધાયો છે, જે અમેરિકા અને બ્રાઝિલના એક દિવસમાં થયેલી મોતના આંકડાને પાર થઈ ગયો છે. એક દિવસમાં મોતની સંખ્યામાં જંગી વધારાનું કારણ બિહારે તેના કુલ મૃત્યુઆંકમાં કરેલો સુધારો છે. બિહારે મોતના આંકડા અંગેના વિવાદો વચ્ચે ખાનગી હોસ્પિટલો અને ઘરમાં કોરોનાથી મરનારાઓના આંકડામાં સુધારો કરવાના કારણે દેશમાં એક દિવસમાં કુલ મોતની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશમાં ગુરુવારે કોરોનાના નવા ૯૪,૦૫૨ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસ ૨.૯૧ કરોડ થયા હતા જ્યારે એક જ દિવસમાં ૬,૧૪૮ કોરોના દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩.૫૯ લાખને પાર થઈ ગયો હતો. એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને ૧૧.૬૭ લાખ થઈ હતી, જે કુલ કેસના માત્ર ચાર ટકા જેટલી હતી. કોરોનાનો રિકવરી રેટ સુધરીને ૯૪.૭૭ ટકા થયો હતો. ભારતમાં ગુરુવારે કુલ ૬,૧૪૮ કોરોના દર્દીઓના મોતનો આંક અમેરિકા અને બ્રાઝિલમાં એક દિવસના મોત કરતાં વધુ છે. અગાઉ ૧૨મી ફેબુ્રઆરીએ અમેરિકામાં એક દિવસમાં ૫,૪૪૪નાં મોત થયા હતા જ્યારે બ્રાઝિલમાં ૬ એપ્રિલે ૪,૨૧૧ દર્દીઓનાં મોત થયા હતા.
મંત્રાલયે ઉમેર્યું હતું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસની કુલ સંખ્યામાં ૬૩,૪૬૩ કેસનો ઘટાડો થયો છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને ૪.૬૯ ટકા થયો હતો જ્યારે છેલ્લા ૧૭ દિવસથી પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી નીચે રહ્યો છે. વધુમાં સતત ૨૮મા દિવસે કોરોનાના નવા કેસ કરતાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. દેશમાં કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓની સંખ્યા ૨.૭૬ કરોડને પાર ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં રાષ્ટ્રવ્યાપીક રસીકરણ અભિયાન હેઠળ કોરોનાની રસીના કુલ ૨૪.૨૭ કરોડ ડોઝ અપાયા છે.
દેશમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે ગુરુવારે અચાનક કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૬,૧૪૮ થઈ ગઈ હતી. જોકે, કોરોનાના દૈનિક મોતમાં આવેલા આ જંગી ઊછાળાનું કારણ કોરોનાની ગંભીર સ્થિતિ નહીં, પરંતુ બિહારે તેના મૃત્યુના આંકડામાં કરેલો સુધારો હતો. બિહારમાં કોરોનાથી મરનારાનો સાચો આંકડો છુપાવાઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે નીતિશ સરકારે તેનું ઓડિટ કરાવ્યું હતું, જેમાં મૃત્યુના આંકડામાં અનિયમિતતા જોવા મળી હતી. બિહારના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે અત્યાર સુધી મૃત્યુનો સાચો આંકડો જાહેર કરાયો નથી. તે પહેલા ૫,૪૨૪ જણાવાયો હતો જ્યારે ૭મી જૂન સુધીનો સાચો આંકડો ૯,૩૭૫ છે. પરિણામે દેશમાં ૨૪ કલાકના મૃત્યુઆંકમાં જબરજસ્ત વધારો થયો હતો.
દરમિયાન કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યોને રસીના સ્ટોક અને સ્ટોરેજના તાપમાન સંબંધિત ઈ-વિન ડેટા કોઈને આપતા પહેલાં મંજૂરી મેળવવા નિર્દેશ આપ્યા હતા. વ્યાવસાયિક હેતુ માટે વિવિધ એજન્સીઓ દ્વારા મેળવાતી આ માહિતીનો દુરુપયોગ અટકાવવા માટે કેન્દ્રે આ નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જાહેર ફોરમમાં રસીના સ્ટોક અને તાપમાન સંબંધિત માહિતી અંગે ઈલેક્ટ્રોનિક વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક (ઈ-વિન) સિસ્ટમનો ડેટા કોઈને આપવો નહીં તેવા અહેવાલો પછી સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી હતી.