India Reject Pakistan Claimed Over Minorities : ભારતે આજે (29 ડિસેમ્બર) પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા ભારતમાં લઘુમતીઓ પર થતા કથિત હુમલાઓ અંગેના નિવેદનોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ભારતે આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવતા પાકિસ્તાનને પોતાના દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો તરફ ધ્યાન આપવા જણાવ્યું છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, જે દેશનો પોતાનો રેકોર્ડ લઘુમતીઓના અધિકારો બાબતે અત્યંત ખરાબ છે, તેણે બીજા પર આંગળી ચીંધવી જોઈએ નહીં.
પાકિસ્તાનની કરતૂત જગજાણીતી : ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે (Randhir Jaiswal) પાકિસ્તાની પ્રવક્તા તાહિર અંદ્રાબીના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘અમે તે દેશની ટિપ્પણીઓને ફગાવીએ છીએ જેનો આ મામલે રેકોર્ડ પહેલેથી જ ખરાબ છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે જે વર્તન કરવામાં આવે છે તે આખા વિશ્વને ખબર છે. પાકિસ્તાનમાં વિવિધ ધર્મોના લઘુમતીઓનું વ્યવસ્થિત અને ભયાનક રીતે શોષણ કરવામાં આવે છે તે એક જાણીતું સત્ય છે. પાકિસ્તાને બીજા પર ખોટા આરોપ લગાવવાને બદલે તેમણે પોતાના દેશની ગંભીર સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.’
આ પણ વાંચો : ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ ! ભારતે 79,000 કરોડના સંરક્ષણ સોદાને આપી મંજૂરી
પાકિસ્તાન શું બોલ્યું તો ભારતે જવાબ આપવો પડ્યો?
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે, ‘ભારતમાં ક્રિસમસ પહેલા તોડફોડ અને હિંસાની ઘટનાઓ બની છે. ભારતમાં લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના લોકો ભય અને અસુરક્ષાના વાતાવરણમાં જીવી રહ્યા છે.’ પાકિસ્તાને એવો પણ આરોપ લગાવ્યો કે ભારતમાં લઘુમતીઓનું ઉત્પીડન એ ઊંડી ચિંતાનો વિષય છે અને ત્યાં ધાર્મિક તહેવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાનની વાસ્તવિક સ્થિતિ
હકીકતમાં પાકિસ્તાન એવો દેશ છે જ્યાં લઘુમતીઓ પાસે નહિવત્ અધિકારો છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય માનવાધિકાર અહેવાલો મુજબ, પાકિસ્તાનમાં દર વર્ષે લગભગ 1000 હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓનું અપહરણ કરી તેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરી દેવામાં આવે છે. વર્ષ 2022ના આંકડા મુજબ 124 હિન્દુ છોકરીઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાયું હતું. એટલું જ નહીં, 2019થી 2025 દરમિયાન હિન્દુઓ સામે હિંસા અને હત્યાના 334થી વધુ ગંભીર કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : શું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે? ચીનના મોટા નિર્ણયથી ઈલોન મસ્ક પણ ચિંતિત


