ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’, ચાર વર્ષ બાદ પ્રતિબંધ હટ્યો

India-China Relations : ભારતે ચાર વર્ષના પ્રતિબંધ બાદ ફરી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા શરૂ કર્યા છે. આ સુવિધા વિશ્વભરમાં સ્થિત ભારતીય દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો મારફતે તાત્કાલિક અસરથી ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, લગભગ ચાર વર્ષના પ્રતિબંધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતે ટુરિસ્ટ વિઝા પર કેમ પ્રતિબંધ લગાવ્યો હતો?
ભારતનો આ નિર્ણય બંને દેશોના સંબંધો મામલો ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે. આ નિર્ણય બંને દેશો વચ્ચે સરહદ તણાવ સામાન્ય બનાવવાના દિશામાં એક મહત્ત્વનું પગલું મનાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020ના એપ્રિલ-મે મહિનામાં લદ્દાખમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગલવાન ખીણમાં હિંસક અથડામણ થયા બાદ બંને દેશોના સંબંધો ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયા હતા. બંને દેશો વચ્ચે વિવાદ વધુ વકર્યા બાદ ભારતે ચીની નાગરિકો માટેના ટુરિસ્ટ વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
પ્રવાસી વિઝા આપવાની અરજી પ્રક્રિયા શરૂ
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, વિશ્વભરના ભારતીય દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસોએ ચીનના પાસપોર્ટ ધારકોને પ્રવાસી વિઝા આપવાની અરજી સ્વિકારવાની શરૂ કરી દીધી છે. જોકે આ મામલે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો : હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ
ભારત-ચીન દ્વારા લેવાયેલા મહત્ત્વના નિર્ણયો
- સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ : ઓક્ટોબર 2024થી ભારત અને ચીન વચ્ચેની સીધી કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે, જે 2020 ની શરૂઆતથી બંધ કરાઈ હતી.
- ધાર્મિક યાત્રા : કૈલાસ માનસરોવર યાત્રાને પણ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- વિઝા સરળતા : પ્રવાસીઓ માટે વિઝા મેળવવાની પ્રક્રિયાઓ વધુ સરળ બનાવવામાં આવી છે.
- રાજદ્વારી સમારોહ : બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
- પ્રવાસી વિઝા : જુલાઈ 2024માં ભારતે બેઈજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને હોંગકોંગમાં તેના મિશનો દ્વારા મર્યાદિત ધોરણે ટૂરિસ્ટ વિઝા આપવાનું શરૂ કર્યું હતું, જેને હવે વૈશ્વિક સ્તરે શરૂ કરી દેવાયું છે.

