Get The App

હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ 1 - image


New Labour Code : દેશમાં આજથી ચાર નવા લેબર કોડ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નવા કાયદામાં શ્રમિકો અને નોકરીદાતાના હિતમાં અનેક બાબતો સામે કરાઈ છે. કાયદા મુજબ હવે નવા શ્રમિકોને ફરજિયાત નિમણૂક પત્ર આપવા પડશે. આ ઉપરાંત સમયસર પગાર અને લઘુતમ વેચન પણ આપવું પડશે. કેન્દ્ર સરકારે જૂના 29 શ્રમ કાયદાઓ ખતમ કરીને ચાર નવા કાયદા લાગુ કર્યા છે. સરકારે કહ્યું છે કે, નવા કાયદાના કારણે શ્રમિકોની સુરક્ષા વધશે, ઉદ્યોગો માટે પણ સ્પર્ધાત્મક વાતાવરણ બનશે. શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે, નવા કાયદા દ્વારા તમામ શ્રમિકોને, ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્રના કામદારો, ગિગ વર્કર્સ, પ્રવાસી મજૂરો અને મહિલાઓ માટે શ્રેષ્ઠ વેતન, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય-સુરક્ષાની ખાતરી આપવામાં આવશે.


ચાર નવા કાયદા

(1) Code on Wages (2019)

(2) Industrial Relations Code (2020)

(3) Code on Social Security (2020)

(4) Occupational Safety, Health & Working Conditions (OSHWC) Code (2020)

આ પણ વાંચો : કાશ્મીરની હોસ્પિટલોને ‘હથિયારોનું ભંડાર કેન્દ્ર’ બનાવવાનું ષડયંત્ર, દિલ્હી બ્લાસ્ટ કેસ મામલે ચોંકાવનારો ખુલાસો

ચાર નવા કાયદાઓની મુખ્ય બાબતો...

1... નિમણૂંક પત્ર : હવે તમામ શ્રમિકોની નોકરી શરુ થાય તે સમયે નિમણૂક પત્ર આપવાનું ફરજિયાત કરાયું છે. આનાથી રોજગાર અને શરતોમાં પારદર્શિતા વધશે.

2... લઘુતમ વેતન : દેશભરમાં લઘુતમ વેતન લાગુ કરવામાં આવશે, જેથી કોઈ પણ પગાર એટલો ઓછો ન હોય કે જીવન નિર્વાહ મુશ્કેલ બની જાય.

3.. સમયસર પગાર ચૂકવણી : કાયદાકીય રીતે નોકરીદાતાઓએ કર્મચારીઓને સમયસર પગાર ફરજિયાત ચૂકવવાનો રહેશે.

4... સ્વાસ્થ્ય અને સુરક્ષા : 40 વર્ષથી વધુ ઉંમરના તમામ શ્રમિકો માટે વાર્ષિક મફત આરોગ્ય તપાસ (Health Checkup) ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત, એક રાષ્ટ્રીય OSH બોર્ડ દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષા ધોરણોને એકસમાન (સમાનરૂપ) બનાવવામાં આવશે.

5... મહિલાઓ માટે સમાનતા : મહિલાઓ હવે રાતની શિફ્ટમાં કામ કરી શકશે, જેની અગાઉ ઘણા સેક્ટરોમાં મંજૂરી નહોતી. જોકે આ માટે નોકરી દાતાએ સુરક્ષાનાં પગલાં અને તેમની મંજૂરી સુનિશ્ચિત કરવી પડશે.

6... અનૌપચારિક શ્રમિકોને સુરક્ષા : ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને પ્રથમ વખત કાનૂની ઓળખ મળશે. તેમને પીએફ, વીમો અને પેન્શન જેવા સામાજિક સુરક્ષા લાભો મળી શકશે અને પ્લેટફોર્મ કંપનીઓએ તેમના માટે યોગદાન આપવું પડશે.

7... કાનૂની અનુપાલન સરળ : હવે અનેક રજિસ્ટ્રેશન અને રિપોર્ટિંગ પ્રક્રિયાઓને બદલે સિંગલ લાઇસન્સ અને સિંગલ રિટર્ન મોડેલ આવશે, જેનાથી કંપનીઓ પરનો અનુપાલન બોજ ઘટશે.

વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ

આ ઉપરાંત નવી વ્યવસ્થામાં 'ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર’ હશે, જેઓ મોટાભાગે માર્ગદર્શન આપશે અને દંડાત્મક કાર્યવાહી નહીં કરે. ઔદ્યોગિક વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ હશે, જ્યાં કર્મચારીઓ સીધી રીતે જઈ શકે છે. સરકારનો દાવો છે કે, આ સંહિતાઓના કારણે શ્રમિકોને વ્યાપક સામાજિક સુરક્ષા અને સન્માન મળશે, જ્યારે ઉદ્યોગોને ઓછી જટિલતા અને શ્રેષ્ઠ મૂડી રોકાણ માટેની તક મળશે.

આ પણ વાંચો : બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, જુઓ યાદી

Tags :