અમેરિકાનો ટેરિફ લગાવવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ, રાષ્ટ્રહિતમાં અમે જરૂરી પગલાં લઇશું: ભારતનો જવાબ
India Response to Trumps Tariff: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત પર ટેરિફ બોંબ ઝિંક્યો છે. તેમણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા મામલે ભારતથી ચિડાઈ વધુ 25 ટકા ટેરિફ ઝિંક્યો છે. ટ્રમ્પે બુધવારે સાંજે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ ઝિંકવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાએ કહ્યું છે કે, ભારત રશિયા પાસેથી સતત ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યા છે. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી છે. ત્યારે હવે ટ્રમ્પના નિર્ણયને ભારતે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન બહાર પડાયું છે. જેમાં ભારત તરફથી કહેવાયું છે કે, 'ટ્રમ્પનો આ નિર્ણય ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. ભારત પોતાના હિતોની રક્ષા માટે તમામ પગલાં ભરશે.'
'અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ, ભારત પોતાના હિતોની રક્ષા માટે પગલાં ભરશે'
MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, 'અમેરિકાએ તાજેતરના દિવસોમાં રશિયા પાસેથી ભારતની તેલ આયાતને લઈને નિશાન સાધ્યું છે. અમે આ મુદ્દાઓ પર અમારી સ્થિતિ પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધી છે, જેમાં એ હકીકતનો સમાવેશ થાય છે કે અમારી આયાત બજાર પરિબળો પર આધારિત છે અને ભારતના 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના એકંદર ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે. અમે પુનરાવર્તિત કરીએ છીએ કે આ પગલાં અન્યાયી અને ગેરવાજબી છે. ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી તમામ પગલાં લેશે.
આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકાએ ભારત પર વધારાના ટેરિફ લાદવાનું પસંદ કર્યું કારણ કે ઘણા અન્ય દેશો પણ તેમના પોતાના રાષ્ટ્રીય હિતમાં પગલાં લઈ રહ્યા છે. અમે પુનરાવર્તિત કરીએ છીએ કે આ પગલાં અન્યાયી અને ગેરવાજબી છે. ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી તમામ પગલાં લેશે.'
આ પણ વાંચો: રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી! જુઓ કોનું આપ્યું નામ