દેશભરમાં વરસાદની પેટર્નમાં ફેરફારઃ ઠંડા રણ લદાખમાં ચાર ગણો વરસાદ, મેઘાલયમાં 37%ની ખાધ
Monsoon 2025 Rain Pattern Changed: ગુજરાતમાં ગત ચોમાસામાં રેકોર્ડ 50.50 ઈંચ વરસાદ સાથે આ પ્રમાણ છેલ્લા ચાર વર્ષથી વધી રહ્યું છે. આ માત્ર એક રાજ્યમાં પૂરતું નથી, સમગ્ર દેશમાં વરસાદની પરંપરાગત પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો છે. એક બાજુ જ્યાં જ્વલ્લે વરસાદ વરસે છે તે લદાખમાં ચાર ગણો વરસાદ પડયો હતો અને મેઘાલયમાં જ્યાં સૌથી વધુ વરસાદ વરસે છે, ત્યાં વરસાદની ખાધ જોવા મળી હતી.
આ પણ વાંચોઃ ભારત પર આજથી 50% ટ્રમ્પ ટેરિફ, જુઓ કયા કયા ક્ષેત્રોમાં તેની અસર દેખાશે, કોણ સુરક્ષિત?
લદાખમાં ચાર ગણો વરસાદ
કોલ્ડ ડેઝર્ટ (ઠંડુ રણ) કહેવાતા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ, જ્યાં તેના નામ મુજબ ચોમાસામાં આજ સુધી અડધો-પોણો ઈંચ વરસાદ માંડ વરસતો હોય છે. ત્યાં આ વર્ષે ચાર ગણો વધુ અઢી ઈંચ (64 મીમી) વરસાદ નોંધાયો છે, જે 298 ટકા વધારે છે.
મેઘાલયમાં વરસાદની ખાધ
હિમાલય અને બંગાળની ખાડી વચ્ચે આવેલા અને વધુ વરસાદ માટે જાણીતા મેઘાલયમાં આજ સુધીમાં 85 ઈંચ વરસાદ સામાન્ય છે. જોક, આ વખતે અહીં માત્ર 49 ઈંચ એટલે કે, 43 ટકા ઓછો વરસાદ વરસ્યો છે. આ રાજ્ય ખાસી અને જૈન્તિયા પર્વતમાળા પાસે વરસાદી પવનોની દિશામાં આવેલું છે. આમ છતાં મેઘાલયના સરેરાશ વરસાદથી તો દક્ષિણ ગુજરાતના કપરાડામાં 105 ઈંચ અને ખેરગામમાં 88 ઈંચ વરસાદ વરસી ગયો છે.
પહેલી જૂનથી આજ 26 ઓગષ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 23 ટકા અને ગુજરાતમાં નોર્મલ કરતા 15 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રણપ્રદેશ ધરાવતા રાજસ્થાનમાં આજ સુધી 14 ઈંચ સામાન્ય વરસાદ પડે તેના બદલે 22 ઈંચ એટલે કે 56 ટકા વધુ છે, જે સામાન્યની સાપેક્ષે સમગ્ર દેશમાં વધુ વરસાદ છે.
લદાખને કોલ્ડ ડેઝર્ટ કેમ કહેવાય છે?
કારગિલ મ્યુનિસિપલ કમિટિની નોંધ મુજબ, લદાખ એ હિમાલયના રેઇન શેડોમાં (વરસાદી છાંયા)માં આવે છે અને વરસાદ લાવતા પવનો હિમાલય પર્વતમાળા ખેંચી લે છે અને તેથી સૂકા પવનો લદાખ પર આવતા હોય છે. આ એવું સ્થળ છે જ્યાં આર્કટિક અને રણપ્રદેશ બંનેનો સંગમ જોવા મળે છે, રાજસ્થાન કે કચ્છના રણ જેવી ગરમીથી વિપરિત -48 સે. સુધીનું માણસને થીજાવી દેતું તાપમાન સાથે વરસાદ નહિવત છે તેથી તેને કોલ્ડ ડેઝર્ટ કહેવાય છે.