ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર

Trishul 2025 Military Exercise: ભારતની ચાલી રહેલી 'ત્રિશૂળ 2025' સૈન્ય કવાયતને કારણે, પાકિસ્તાને માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં બીજી વાર NOTAM (નોટિસ ટુ એરમેન) જાહેર કર્યું છે. આ NOTAM હેઠળ, પાકિસ્તાને તેના હવાઈ ક્ષેત્રના અમુક ભાગોમાં ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ગુપ્તચર સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આ પ્રતિબંધો 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે અને તેમાં પાકિસ્તાનના દક્ષિણી અને દરિયાકાંઠાના વિસ્તારોનો એક મોટો હિસ્સો આવરી લેવાયો છે.
ત્રિશૂળ 2025: ભારતનો સંયુક્ત સૈન્ય અભ્યાસ
ભારતનો 'ત્રિશૂળ 2025' એક મોટો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે, જે હાલમાં પશ્ચિમી સીમા અને અરબ સાગરમાં ચાલી રહ્યો છે. આ કવાયતમાં થલ સેના, નૌસેના અને વાયુસેના ત્રણેય મળીને ભાગ લઈ રહ્યા છે. તેનો મુખ્ય હેતુ સેનાની એકજુટ તાકાત, ઝડપથી કાર્યવાહી કરવાની ક્ષમતા તેમજ દરિયાઈ વિસ્તારો પર તેની પકડ દર્શાવવાનો છે.
પાકિસ્તાનની પ્રતિક્રિયા
એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીના જણાવ્યા મુજબ, પાકિસ્તાન દ્વારા સતત બે NOTAM જાહેર કરવાથી એ સંકેત મળે છે કે તે ડરેલુ પણ છે અને સાવધાની પણ રાખી રહ્યું છે. આ પગલા દ્વારા, પાકિસ્તાન એ દર્શાવવા માંગે છે કે તે તૈયાર છે અને તેના હવાઈ તથા દરિયાઈ ક્ષેત્રોની સઘન દેખરેખ રાખી રહ્યું છે.
આ પણ વાંચો: ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ
પાકિસ્તાની સેના હાઈ એલર્ટ પર
સૂત્રો અનુસાર, પાકિસ્તાનની સેનાને નવેમ્બરના અંત સુધી હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. અરબ સાગરમાં ભારતીય ગતિવિધિઓ પર નજર રાખવા માટે દરિયાકાંઠાની દેખરેખ વધારીને હવાઈ અને નૌસૈનિક સંસાધનોને ફરીથી તૈનાત કરવામાં આવ્યા છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે ભારત પોતાનો સૈન્ય આત્મવિશ્વાસ અને તૈયારી ખુલ્લેઆમ બતાવી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન હજી પણ માત્ર પ્રતિક્રિયાત્મક સ્થિતિમાં છે. આ પરિસ્થિતિ ક્ષેત્રમાં બદલાતા શક્તિ સંતુલન તરફ પણ ઈશારો કરે છે.

