Get The App

નહીં સુધરે પાકિસ્તાન... ‘શ્રીલંકાને મદદ’ અંગે ગંભીર આક્ષેપ કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
નહીં સુધરે પાકિસ્તાન... ‘શ્રીલંકાને મદદ’ અંગે ગંભીર આક્ષેપ કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ 1 - image


India-Pakistan Controversy : ચક્રવાત દિતવાહથી પ્રભાવિત શ્રીલંકા માટે પાકિસ્તાનની રાહત ફ્લાઈટને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે નવો વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો કે, ભારત જાણી જોઈને તેની માનવતાવાદી સહાયતા ફ્લાઈટને અટકાવી રહ્યું છે, જેના કારણે શ્રીલંકા સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે. જોકે ભારતે આ આરોપોને પાયાવિહોણા ગણાવી સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.

ભારતે પાકિસ્તાની ફ્લાઈટને માત્ર સાડા ચાર કલાકમાં મંજૂરી આપી દીધી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ‘પાકિસ્તાને જે આક્ષેપ કર્યો છે, તે ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો વધુ એક પ્રયાસ છે. પાકિસ્તાન તરફથી ઔપચારિક વિનંતી પહેલી ડિસેમ્બરે બપોરે એક વાગ્યે મળી હતી અને ભારતે માનવીય કટોકટી ધ્યાનમાં લઈને તે જ દિવસે સાંજે સાડા પાંચ વાગ્યે માત્ર સાડા ચાર કલાકમાં મંજૂરી આપી દીધી હતી.

ભારતે એરસ્પેસની મંજૂરી આપી ન હોવાનો પાકિસ્તાને જુઠાણું ચલાવ્યું

ભારતે પાકિસ્તાની મીડિયામાં ચાલી રહેલા એવા અહેવાલોને જૂઠા ગણાવ્યા છે. પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે, ભારતે એરસ્પેસની મંજૂરી આપી નથી. ભારતીય અધિકારીઓએ કહ્યું કે, ભારતની નીતિ માનવતાવાદી સહાયને હંમેશા પ્રાથમિકતા આપવાની છે અને આવા સંવેદનશીલ કેસોમાં રાજકીય ઈરાદા રાખવામાં આવતા નથી. તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરીને મંજૂરી આપવામાં આવી હતી, જે સૌથી ઓછા સમયમાં લેવાયેલો નિર્ણય હતો.

આ પણ વાંચો : VIDEO : શિંદે અને પવારના નેતાઓ વચ્ચે વિવાદમાં ઝપાઝપી, વાહનોમાં તોડફોડ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં વિવાદ

60 કલાકથી વધુ સમય સુધી વિમાનને મંજૂરી ન આપવાનો આક્ષેપ કર્યો

બીજી તરફ, પાકિસ્તાને દાવો કર્યો કે, ભારતની અસહયોગી નીતિના કારણે તેમનું રાહત મિશન ખોરવાઈ રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર 60 કલાકથી વધુ સમય સુધી વિમાનને મંજૂરી ન આપવાનો અને બાદમાં આપેલી આંશિક મંજૂરી બેકાર હોવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાને એમ પણ કહ્યું કે, ભારત દ્વારા આપવામાં આવેલી મંજૂરીમાં સમયની મર્યાદા ખૂબ જ ઓછી હતી અને વળતી ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી ન હતી.

વાવાઝોડામાં શ્રીલંકામાં 410ના મોત

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના કારણે શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 410થી વધુ મૃત્યુ અને 336 લોકો લાપતા થયા છે. આ મોટા સંકટ વચ્ચે ભારતે પહેલેથી જ 'ઓપરેશન સાગર બંધુ' શરૂ કરીને રાહત સામગ્રી અને તબીબી સહાય શ્રીલંકા મોકલી છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઈન્કાર, ઓવૈસીની અરજી પણ ફગાવાઈ

Tags :