ભારત-પાકિસ્તાને એકબીજાને સોંપી પરમાણુ સંસ્થાઓની યાદી, જાણો શું છે આ 35 વર્ષ જૂની પરંપરા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-Pakistan Exchanged Nuclear Facilities List : ભારત અને પાકિસ્તાને નવા વર્ષના પહેલા જ દિવસે 35 વર્ષ જૂની પરંપરા નિભાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, સમજૂતી મુજબ બંને દેશોના રાજદ્વારીઓએ આજે એકબીજાની પરમાણુ સંસ્થાઓ અને સુરક્ષા સંબંધિત માહિતીની આપ-લે કરી છે. બંને દેશોએ એકબીજાની પરમાણુ સંસ્થાઓ પર હુમલો અટકાવવા માટે એક કરાર કર્યો હતો, જેના ભાગરૂપે આ આપ-લે કરવામાં આવી છે.
બંને દેશો વચ્ચે પરમાણુ સંબંધિત માહિતી આપતા કરાર થયા હતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે પોતપોતાની પરમાણુ સંસ્થાઓ અને તેને લગતી વિગતો એકબીજાને સોંપવા માટે 31 ડિસેમ્બર 1988માં સમજૂતી થઈ હતી. ત્યારબાદ આ સમજૂતી 27 જાન્યુઆરી-1991માં લાગુ કરવામાં આવી હતી. સમજૂતી મુજબ બંને દેશો દર વર્ષની પહેલી જાન્યુઆરીએ પોત-પોતાની પરમાણુ સંસ્થાઓ અને તે સંબંધિત અન્ય માહિતી એકબીજાને શેર કરતા હોય છે. આમ બંને દેશોએ અત્યાર સુધીમાં કુલ 34 વાર એકબીજાને યાદી સોંપી છે.
બંને દેશોએ જેલમાં બંધ નાગરિકો-માછીમારોની એકબીજાને યાદી સોંપી
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાને ‘કોન્સુલર એક્સેસ 2008’ હેઠળ બંને દેશોની કસ્ટડીમાં રહેલા કેદીઓ અને માછીમારોની પણ યાદી એકબીજાને સોંપી છે. બંને દેશોના રાજદ્વારી માધ્યમ દ્વારા આ યાદી સોંપવામાં આવી છે. ભારતે 391 નાગરિક કેદીઓ અને 33 માછીમારોની યાદી સોંપી છે, જેમાં પાકિસ્તાન અથવા પાકિસ્તાની હોવાની આશંકા ધરાવતા લોકો સામેલ છે. જ્યારે પાકિસ્તાને 58 ભારતીયો અને 199 માછીમારોની યાદી સોંપી છે.
પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરિકો-માછીમારોને છોડી મૂકવા ભારતની માંગ
ભારત સરકારે પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય કેદીઓ, હોડી સાથે માછીમારો અને ગુમ ભારતીય સુરક્ષા કર્મચારીઓને વહેલી તકે છોડી મૂકવાની અને પરત મોકલવાની માંગ કરી છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે, 167 ભારતીય માછીમારો અને સિવિલ કેદીઓની સજા પૂરી થઈ ગઈ છે, તેથી તેમને વહેલી તકે મુક્ત કરી ભારત પરત મોકલવામાં આવે. ભારતે એમ પણ કહ્યું છે કે, કસ્ટડીમાં રહેલા અને ભારતીય મનાતા 35 સિવિલ કેદીઓ અને માછીમારોને તાત્કાલીક કાઉન્સિલર એક્સેસ પણ આપવામાં આવે.
ભારતે પાકિસ્તાન સરકારને સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી ભારતીય નાગરિકો અને માછીમારો પાકિસ્તાનમાં કેદ છે, ત્યાં સુધી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.









