Get The App

નેપાળ, બાંગ્લાદેશ બાદ હવે ઈરાનમાં 'જન આંદોલન'! ઠેર ઠેર હિંસા, સરકારી ઇમારતોમાં તોડફોડના પ્રયાસ

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
Iran Protest


(AI IMAGE)

Iran Protest: ઈરાનમાં આર્થિક કટોકટી વકરતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને દેશના અનેક વિસ્તારોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરુ થયા છે. ઈરાનમાં આ આંદોલનનો આજે સતત ચોથો દિવસ છે અને તે ધીમે-ધીમે વધુ ઉગ્ર બની રહ્યું છે. પ્રદર્શનકારીઓએ અનેક રસ્તાઓ જામ કરી દીધા છે, તો બીજી તરફ રાજધાની તેહરાન તેમજ ઈસ્ફહાન, હમાદાન અને બાબેલ જેવા અનેક શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સુપ્રીમ લીડર અલી ખમેનેઈ વિરુદ્ધ 'તાનાશાહ મુર્દાબાદ'ના નારા લગાવી રહ્યા છે. આ પ્રદર્શનકારીઓ હવે માત્ર સુધારા નહીં, પરંતુ ઈરાનમાં સંપૂર્ણ સત્તા પરિવર્તનની માંગ કરી રહ્યા છે, જે 2022ના મહસા અમીની આંદોલન પછીનો સૌથી મોટો વિદ્રોહ માનવામાં આવે છે.

મોંઘવારીએ તોડી જનતાની કમર

આ આંદોલન પાછળનું મુખ્ય કારણ ઈરાનનું કથળતું અર્થતંત્ર અને મોંઘવારી છે. ઈરાનમાં મોંઘવારીનો દર 42 ટકા સુધી પહોંચી ગયો છે અને સ્થાનિક ચલણ 'રિયાલ' ડૉલર સામે ઐતિહાસિક નીચલી સપાટીએ ગગડી ગયું છે. 28 ડિસેમ્બરે તેહરાનના ગ્રાન્ડ બજારમાં દુકાનદારોની હડતાળથી શરુ થયેલો આ વિરોધ હવે સામાન્ય જનતાના આક્રોશમાં ફેરવાઈ ગયો છે. લોકો પૂર્વ શાસક રઝા શાહ પહેલવીના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, જે વર્તમાન શાસન પ્રત્યેની તેમની ભયંકર નારાજગી દર્શાવે છે.

સૂત્રોચ્ચાર અને શક્તિ પ્રદર્શન

ઈરાનમાં ચાલી રહેલા આ આંદોલનમાં પ્રદર્શનકારીઓનો જુસ્સો અને આક્રોશ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ઈસ્ફહાન જેવા મોટા શહેરોમાં લોકોએ 'ડરો નહીં, આપણે બધા સાથે છીએ' અને 'તાનાશાહ મુર્દાબાદ' જેવા નારા લગાવી આખા દેશને ગજવી દીધો છે. આ આંદોલનમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે અનેક શહેરોમાં લોકો નિર્વાસિત રાજકુમાર રઝા પહેલવી અને પૂર્વ શાસક રઝા શાહ પહેલવીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતાં જોવા મળ્યા, જે વર્તમાન શાસન સામેની તેમની નારાજગી દર્શાવે છે. 

આ પણ વાંચો: 2026ની શરૂઆતમાં જ રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધ્યો! ઝેલેન્સ્કીએ કહ્યું- આત્મસમર્પણ નહીં કરું

બીજી તરફ, તેહરાન યુનિવર્સિટીની લોકપ્રિય સ્ટુડન્ટ લીડર સરીરા કરીમીની ધરપકડ બાદ વિદ્યાર્થીઓમાં રોષ છે. સુરક્ષા દળોએ હમાદાન અને નાહવંદ જેવા શહેરોમાં દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા અને ગોળીબાર કર્યો હોવા છતાં, જનતા મક્કમતાથી રસ્તાઓ પર ડટેલી છે અને પીછેહઠ કરવા તૈયાર નથી.

વૈશ્વિક સમર્થન અને પશ્ચિમ એશિયાના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઈરાનના આ આંદોલનને ટેકો મળી રહ્યો છે. અમેરિકન સીનેટર રિક સ્કોટ સહિત પશ્ચિમી રાજનેતાઓએ ઈરાની જનતાના આ સાહસને બિરદાવ્યું છે અને તેમને સરમુખત્યારશાહી સામે લડત ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું છે. ઈરાનમાં ચાલી રહેલી આ અશાંતિ આવનારા દિવસોમાં પશ્ચિમ એશિયાના રાજકારણમાં મોટો વળાંક લાવી શકે તેમ છે.

નેપાળ, બાંગ્લાદેશ બાદ હવે ઈરાનમાં 'જન આંદોલન'! ઠેર ઠેર હિંસા, સરકારી ઇમારતોમાં તોડફોડના પ્રયાસ 2 - image