| (IMAGE - FACEBOOK) |
Trump-Zelenskyy Meeting: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા લોહિયાળ જંગને સમાપ્ત કરવા માટે રવિવારે એક હાઇ-પ્રોફાઇલ બેઠક યોજાવાની છે. પરંતુ આ બેઠકના બે દિવસ પહેલા જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને સ્પષ્ટ શબ્દોમાં પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, 'યુએસ પ્રમુખની લીલી ઝંડી વગર ઝેલેન્સ્કીની કોઈપણ યોજના કે માગની કોઈ કિંમત નથી.'
માર-એ-લાગોમાં ઐતિહાસિક બેઠક: 20 મુદ્દાનો શાંતિ પ્લાન
આવતીકાલે એટલે કે 28 ડિસેમ્બરે ફ્લોરિડાના માર-એ-લાગોમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ઐતિહાસિક મુલાકાત થવાની છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા '20-સૂત્રીય શાંતિ યોજના' છે. યુક્રેન આ પ્લાન હેઠળ ભવિષ્યની સુરક્ષા માટે નાટોના 'આર્ટિકલ 5' જેવી મજબૂત અમેરિકન ગેરંટી ઇચ્છી રહ્યું છે. આ ઉપરાંત, સરહદ પર 'ડિમિલિટ્રાઇઝ્ડ ઝોન'(અસૈન્ય ક્ષેત્ર) બનાવવા અને ઝપોરિઝિયા પરમાણુ પ્લાન્ટના સંચાલન જેવા મુદ્દાઓ પર પણ નિર્ણાયક ચર્ચા થશે.
ટ્રમ્પનો કડક મિજાજ: 'હું નક્કી કરીશ કે શું થશે'
એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતાં કહ્યું કે, 'ઝેલેન્સ્કી પાસે ત્યાં સુધી કંઈ જ નથી, જ્યાં સુધી હું તેને મંજૂર ન કરું. અમે જોઈશું કે તેમની પાસે શું પ્રસ્તાવ છે.' ટ્રમ્પના આ નિવેદને સાફ કરી દીધું છે કે આ શાંતિ પ્રક્રિયામાં અમેરિકા માત્ર એક સાથી નહીં, પણ મુખ્ય 'નિર્ણાયક'ની ભૂમિકામાં છે.
ઝેલેન્સ્કીની આશા અને મજબૂરી
ઝેલેન્સ્કીએ તાજેતરમાં કહ્યું હતું કે તેમનો શાંતિ પ્લાન 90% તૈયાર છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે આ સમજૂતી માત્ર અમેરિકા અને યુક્રેન વચ્ચેની નથી. ઝેલેન્સ્કીના મતે આ શાંતિ દસ્તાવેજમાં ચાર સ્તંભો છે: યુક્રેન, અમેરિકા, રશિયા અને યુરોપ. રશિયા અને યુરોપની સહમતિ વગર આ સમજૂતી અસરકારક સાબિત થઈ શકે તેમ નથી.
શું નવા વર્ષ પહેલા યુદ્ધ વિરામ થશે?
ગયા અઠવાડિયે મિયામીમાં યોજાયેલી ત્રિપક્ષીય બેઠક બાદ હવે સૌની નજર રવિવારની બેઠક પર છે. ઝેલેન્સ્કીને આશા છે કે નવા વર્ષની શરુઆત પહેલા યુદ્ધના અંત માટે કેટલાક મોટા અને નિર્ણાયક નિર્ણયો લેવામાં આવશે. પરંતુ ટ્રમ્પના વર્ચસ્વવાદી વલણે યુક્રેન માટે શરતો માનવાની મજબૂરી ઊભી કરી દીધી હોય તેમ જણાય છે.


