Get The App

ભારતની ફરી 'વૉટર સ્ટ્રાઈક', ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલી નાખ્યા

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
ભારતની ફરી 'વૉટર સ્ટ્રાઈક', ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલી નાખ્યા 1 - image


India-Pakistan Tension: પહલગામ આતંકી હુમલા અને ભારતના ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. હવે આ સ્થિતિ લશ્કરી મોરચાની સાથે અન્ય ક્ષેત્રોમાં પણ દેખાય છે. શનિવારે (10મી મે) સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે પાકિસ્તાન તરફ પાણીનો પ્રવાહ વધી ગયો છે.

ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા

અહેવાલો અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પહલગામમાં આતંકી દ્વારા કરવામાં આવેલા હુમલામાં 26 લોકોના મોત બાદ, ભારતે કડક વલણ અપનાવ્યું અને ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. આ જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ડર જોવા મળી રહ્યો છે.



નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનને સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે ભારત હવે સિંધુ જળસંધિ અંગે પણ કડક નિર્ણય લઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સિંધુ જળસંધિ પર હસ્તાક્ષર થયા હતા, જેમાં ભારતને સતલજ, રાવી અને બિયાસ નદીઓ પર અધિકાર મળ્યો હતો, જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓ પર અધિકાર પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો. આ સંધિ વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ભારત આ સંધિની સમીક્ષા કરવા તરફ આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં મુશળધાર માવઠાં, માળિયામાં અઢી, સાવરકુંડલા બે ઈંચ, હજુ તોફાની વરસાદનું યલો એલર્ટ

પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેમાં ડ્રોન અને મિસાઇલ હુમલાઓનો સમાવેશ થતો હતો. જો કે, ભારતીય સેનાની તૈયારી અને હવાઈ સંરક્ષણ પ્રણાલીની સતર્કતાને કારણે આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા.

ભારતની ફરી 'વૉટર સ્ટ્રાઈક', ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલી નાખ્યા 2 - image



Tags :