Get The App

સૌરાષ્ટ્રમાં મુશળધાર માવઠાં, માળિયામાં અઢી, સાવરકુંડલા બે ઈંચ, હજુ તોફાની વરસાદનું યલો એલર્ટ

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
સૌરાષ્ટ્રમાં મુશળધાર માવઠાં, માળિયામાં અઢી, સાવરકુંડલા બે ઈંચ, હજુ તોફાની વરસાદનું યલો એલર્ટ 1 - image


- સાવરકુંડલામાં 2 ઈંચ,ધોરાજી, રાજકોટ, પાલીતાણા, તાલાલા, ભાણવડ, કુતિયાણા, કેશોદ, મેંદરડા, વંથલી, જુનાગઢમાં અર્ધાથી એક ઈંચ વરસાદ

- કોટડાસાંગાણી ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર, ગોંડલી ડેમમાં 2 ફૂટ નવું પાણી

- જાફરાબાદમાં દરિયો તોફાની, 828 ફીશીંગ બોટો દરિયામાંથી પરત બોલાવી લેવા કાર્યવાહી

રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આજે પણ કમોસમી ચોમાસુ વેગવંતુ રહ્યું હતું અને સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ,અમરેલી ,દ્વારકા, ભાવનગર , ગીર સોમનાથ વગેરે જિલ્લામાં વ્યાપક વરસાદ વરસ્યો છે જેમાં જુનાગઢના માળિયા હાટીના તાલુકામાં સાંજે 6થી 8 વચ્ચે બે કલાકમાં બે ઈંચ સહિત રાજ્યમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ આજે નોંધાયો છે. ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં સવારે જ્યારે સૌરાષ્ટ્રમાં સાંજે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. હજુ આવતીકાલે અને રવિવારે પણ છૂટાછવાયા વરસાદની અને તીવ્ર પવનની ચેતવણી જારી કરાઈ છે. 

અમરેલી જિલ્લામાં આજે પણ કમોસમનો વ્યાપક વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલામાં  બે ઈંચ, બગસરામાં સતત ચોથા દિવસે પોણો ઈંચ વરસાદની સાથે એક તરફ કૃષિમાં નુક્શાનથી ખેડૂતોની ચિંતા વધી હતી અને બીજી તરફ પાણી ભરાવા, વિજપૂરવઠો ખોરવાઈ જવાના પ્રશ્નોથી લોકોની હાલાકી વધી હતી. લીલીયામાં અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો. 

જાફરાબાદ દરિયામાં ભારે પવનની આગાહીના પગલે માછીમારી બોટોને ટોકન ઈસ્ય નહીં કરવા અને માછીમારોને દરિયો નહીં ખેડવા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સૂચના જારી કરાઈ હતી. દરિયામાં દૂર રહેલી બોટોને કિનારે આવી જવા માટે  સૂચના આપવામાં આવી હતી. દરિયામાં જાફરાબાદની ૩૮૫, નવાબંદરની ૨૮૧, રાજપરાની ૧૩૬, શિયાળબેટની ૧૩, ચાંચબંદરની ૩ મળીને કૂલ ૮૨૮ ફીશીંગ બોટો દરિયામાં હતી જેનો સંપર્ક કરીને પરત બોલાવવા કાર્યવાહી થઈ હતી. 

સોરઠ પંથકમાં માળિયા હાટીના ઉપરાંત મેંદરડા,વંથલી તાલુકામાં એક ઈંચ, જુનાગઢ, શહેર તાલુકામાં અર્ધાથી પોણો ઈંચ ,ભેંસાણ તાલુકામાં અર્ધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભાવનગરના પાલિતાણા,ગારિયાધરમાં દોઢ ઈંચ, દ્વારકા જિ.ના ભાણવડમાં એક ઈંચ, પોરબંદરના કુતિયાણા, સોમનાથ જિલ્લાના ગીરગઢડા,તાલાલામાં પોણોથી એક ઈંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું હતું. 

રાજકોટ મહાનગરમાં આજે વધુ પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો અને માર્ગો ભીંજાયેલા રહ્યા હતા. સાંજે ધૂપછાંવનું હવામાન હતું. જિલ્લાના ધોરાજીમાં ધોધમાર એક ઈંચ વરસાદ સાંજે વરસી ગયો હતો. કોટડાસાંગાણી તાલુક૩ાના ભાડવા, પાંચ તલાવડા, ખોખરી, રાજપીપળા, સર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર માવઠાં વરસ્યાના અહેવાલો છે અને આ ગામોની નદીઓમાં પૂર આવ્યા હતા તથા ગોંડલી ડેમમાં ભરઉનાળે બે ફૂટ નવા પાણીની આવક થઈ છે. ૧૪ ગામોમાં વિજપૂરવઠો ખોરવાઈ ગયો હતો.

આજ, કાલે વરસાદનું એલર્ટ, કાલથી ફરી ગરમીમાં વધારો

રાજકોટ: આવતીકાલ શનિવાર તથા રવિવારના બે દિવસ મૌસમ વિભાગે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓ માટે હળવાથી મધ્યમ વરસાદ અને ૫૦ કિ.મી.ની ઝડપ સુધી વંટોળિયાની ચેતવણી આપી છે. જ્યારે આગામી સપ્તાહ સુધીમાં તાપમાનનો ફરી ૫ સે.સુધી ઉંચકાઈને ૪૦ સે.ને પાર થતા ગરમી અનુભવાશે.

Tags :