India

'અમેરિકાથી LPGની આયાત વધારો...', IOCL,HPCL અને BPCLને સરકારનો કડક નિર્દેશ

By GS Team
14 Aug 20263 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી ઓઇલ કંપનીઓને 2027 સુધીમાં કુલ LPG આયાતના 15% અમેરિકાથી લાવવા નિર્દેશ આપ્યો છે. મધ્ય પૂર્વ પર નિર્ભરતા ઘટાડવા અને ઊર્જા સુરક્ષા વધારવા આ પગલું લેવાયું છે. હાલ, કંપનીઓના અધિકારીઓ અમેરિકામાં નવી સપ્લાય ડીલ માટે હાજર છે. ભારતનો ઉદ્દેશ્ય વેપાર સંતુલન સુધારવાનો પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમેરિકાથી LPGની આયાત વધારો...', IOCL,HPCL અને BPCLને સરકારનો કડક નિર્દેશ
IMAGE - IANS

India LPG import: કેન્દ્ર સરકારે દેશની અગ્રણી ઓઇલ કંપનીઓ—ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને એક સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. સરકારના આદેશ મુજબ, વર્ષ 2027માં થનારા કુલ એલપીજી આયાતમાંથી ઓછામાં ઓછો 15% હિસ્સો અમેરિકા સાથે લોંગ ટર્મ કોન્ટ્રેકટ (લાંબા ગાળાના કરાર) મારફતે લાવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં જ ભારતે અમેરિકા પાસેથી પ્રથમ વખત આવી લાંબા ગાળાની ડીલ કરી હતી, જેમાં આશરે 22 લાખ ટન (કુલ આયાતના 10%) ગેસ મંગાવવાનો કરાર થયો હતો. હાલમાં આ ત્રણેય કંપનીઓના ટોચના અધિકારીઓ નવી સપ્લાય ડીલ પર વાતચીત કરવા માટે અમેરિકામાં જ હાજર છે.

મિડિલ ઈસ્ટથી કેમ ધ્યાન હટાવી રહ્યું છે ભારત?

આ પગલાં પાછળ ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વના ખાડી દેશો પરથી પોતાની નિર્ભરતા ઓછી કરવાનો છે. અગાઉ ભારત પોતાની જરૂરિયાતનો 90%થી વધુ એલપીજી ગેસ ખાડી દેશોમાંથી મંગાવતું હતું. પરંતુ ઈરાનમાં યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગે ઊભી થયેલી સમસ્યાઓને કારણે દેશમાં ગેસની ભારે અછત સર્જાઈ હતી. આ મુશ્કેલીમાંથી બોધપાઠ લઈને ભારતે હવે અલગ-અલગ દેશોમાંથી ગેસ મંગાવવાની વ્યૂહનીતિ અપનાવી છે.

આ જ વ્યૂહનીતિના ભાગરૂપે આ વર્ષે ઓગસ્ટ સુધીમાં અમેરિકા ભારતને સૌથી વધુ એલપીજી સપ્લાય કરનારો દેશ બની ગયો છે, જ્યાંથી અત્યાર સુધીમાં રેકોર્ડ 39 લાખ ટન ગેસ ભારત આવી ચૂક્યો છે. હવે ભારતીય ઓઇલ કંપનીઓ સંભવિત સપ્લાયર્સના પ્રસ્તાવ ચકાસ્યા બાદ ટૂંક સમયમાં જ નવા ગેસ સપ્લાય માટે સંયુક્ત ટેન્ડર બહાર પાડશે.

ટ્રેડ ડીલ અને ઊર્જા સુરક્ષાનું ગણિત

અમેરિકા પાસેથી વધુ ગેસ ખરીદવાથી ભારતને અમેરિકા સાથેનો પોતાનો ટ્રેડ સરપ્લસ (વેપાર સંતુલન) ઘટાડવામાં પણ મદદ મળશે. ભારત હાલમાં વૉશિંગ્ટન સાથે એક મોટા વેપારી સમજૂતી કરવાના પ્રયાસો કરી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર લાંબા સમયથી માંગ કરી રહ્યું હતું કે ભારત તેમની પાસેથી ઊર્જા ખરીદી વધારે, કારણ કે ભારત વિશ્વના સૌથી મોટા ઓઇલ અને ગેસ આયાતકારોમાંથી એક છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આ ટ્રેડ વાટાઘાટો હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી નથી.

સામાન્ય જનજીવન પર ગેસ અછતની અસર

બીજી તરફ, હોર્મુઝ સ્ટ્રેટની કટોકટી અને અમેરિકા-ઈરાન વચ્ચે અટકેલી વાટાઘાટોને કારણે ભારતમાં રસોઈ ગેસની સપ્લાય પર સતત જોખમ મંડરાઈ રહ્યું છે. આ અછતના પરિણામે ગયા મહિને દેશમાં એલપીજીની વપરાશ ગયા વર્ષની સરખામણીએ 16%થી વધુ ઘટીને માત્ર 23.5 લાખ ટન રહી ગઈ હતી. ગેસની અછતને કારણે સામાન્ય ઘરો અને ઉદ્યોગોએ પીએનજીનો સહારો લેવો પડી રહ્યો છે અથવા તો જૈવિક ઈંધણ અને કેરોસીન જેવા વધુ પ્રદૂષણ ફેલાવતા વિકલ્પો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.

દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરના ભાવ

ગેસની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે દેશભરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. આજે દેશમાં સૌથી મોંઘો એલપીજી સિલિન્ડર લેહમાં છે, જ્યાં ઘરેલુ રસોઈ ગેસની કિંમત 1119 રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3376 રૂપિયા છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો, 14.2 કિલોનો ઘરેલુ સિલિન્ડર 942 રૂપિયા અને 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 2738 રૂપિયામાં મળી રહ્યો છે. જ્યારે રાંચીમાં ઘરેલુ સિલિન્ડર 999.50 રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડર 2922 રૂપિયાનો છે, જે દિલ્હી કરતા અનુક્રમે 57.50 રૂપિયા અને 184 રૂપિયા મોંઘો છે.