સેનિટાઈઝેશન કરવા ગયેલા કર્મચારીઓ પર અગાસી પરથી થૂંકવા માંડ્યા લોકો
રાંચી, તા.10 એપ્રિલ 2020, શુક્રવાર
કોરોનાના કહેર વચ્ચે ડોકટરો અને પોલીસને ટાર્ગેટ બનાવવાની ઘટનાઓ બની ચુકી છે.
હવે ઝારખંડના રાંચીમાં સફાઈ સેવકોને ટાર્ગેટ બનાવીને કેટલાકે પોતાની વિકૃત માનસિકતા છતી કરી છે. રાંચીના હિંદપીઢી વિસ્તારમાં પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા બાદ આ વિસ્તારમાં સફાઈ સેવકોની એક ટીમ સેનિટાઈઝેશન માટે ગુરુવારે પહોંચી હતી.
કર્મચારીઓ સેનિટાઈઝેશનની કામગીરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો ઘરોની અગાસીઓ પરથી તેમના પર થૂંકવાનુ શરુ કર્યુ હતુ. પહેલા તો કર્મચારીઓએ આ વાત નજરઅંદાજ કરી હતી પણ જ્યારે મોટી સંખ્યામાં લોકોએ અલગ અલગ ઘરોની અગાસીઓ પરથી આવી હરકત શરુ કરી દીધી ત્યારે કર્મચારીઓ નાછુટકે સેનિટાઈઝેશનની કામગીરી પડતી મુકીને પાછા ફર્યા હતા.
તેમણે આ બાબતની જાણકારી ઉપરી અધિકારીને આપી હતી. તેમણે કર્મચારીઓને ખાતરી આપી હતી કે, ફરી આ પ્રકારની સ્થિતિનો સામનો નહી કરવો પડે.