યુદ્ધના ભણકારા વચ્ચે ભારત સરકારે NOTAM જારી કર્યું, વાયુ સેના કાલે પાકિસ્તાન બોર્ડર પાસે કરશે યુદ્ધાભ્યાસ
India-Pakistan Tension : ભારતે પાકિસ્તાન સરહદ પર યુદ્ધાભ્યાસ માટે NOTAM એટલે કે નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ જાહેર કર્યું છે. પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, જેને ધ્યાને રાખી ભારતીય વાયુસેના (IAF) ભારત-પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં મોટાપ્રમાણમાં હવાઈ હુમલાનો અભ્યાસ કરશે. આ માટે ભારત સરકારે NOTAM જાહેર કર્યું છે તેમજ બુધવારે અને ગુરુવારે હવાઈ એર અભ્યાસ યોજવાની જાહેરાત કરી છે.
મોકડ્રીલમાં રાફેલ, મિરાજ 2000 અને સુખોઈ-30 જોવા મળશે
IAFના અધિકારીના જણાવ્યા મુજબ, ‘ભારતીય વાયુસેના આવતીકાલે 7મી મેથી સરહદ પર રણ ક્ષેત્ર અને નજીકના વિસ્તારોમાં યુદ્ધાભ્યાસ હાથ ધરશે. આ દરમિયાન રાફેલ, મિરાજ 2000 અને સુખોઈ-30 સહિત તમામ ફ્રન્ટલાઇન વિમાનો ભાગ લેશે.’ મીડિયા રિપોર્ટ મુજબ, એર મોકડ્રીલ દરમિયાન સરહદ પાસેના ઍરપોર્ટ પરનું સંચાલન થોડા સમય માટે બંધ રાખવામાં આવી શકે છે. જોકે નોટમની સંપૂર્ણ વિગતો સામે આવ્યા બાદ જ આ મામલે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.
આવતીકાલે દેશના 244 જિલ્લામાં મોક ડ્રીલ
દેશભરના 244 જિલ્લામાં આવતીકાલે (7 મે)એ મોક ડ્રીલ યોજાવાની છે, તેથી નોટમને તેનો જ ભાગ હોવાનું કહેવાઈ રહ્યું છે. નોટમ એટલે કે નોટિસમાં કોઈપણ એરોનોટિકલ સુવિધા, સેવા, પ્રક્રિયા અથવા જોખમની સ્થાપના, સ્થિતિ અથવા ફેરફાર સંબંધિત માહિતી હોય છે. આવતીકાલે પાકિસ્તાન સરહદ પાસેના અનેક જિલ્લાઓમાં મોક ડ્રિય યોજાઈ શકે છે, આવી સ્થિતિમાં ભારતે પહેલાથી જ નોટમ જારી કરીને તમામને સાવચેત કરી દીધા છે.
આ પણ વાંચો : બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત
તમામ રાજ્યોને મોક ડ્રીલ યોજવાના આદેશ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. આ ઉપરાંત હુમલામાં 17 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ ભારત સરકારે આતંકી સંગઠનોને આશ્રય આપતા પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરવાની સાથે પાકિસ્તાન સાથે વિઝા સહિતના તમામ વ્યવહારો બંધ કરી દીધા છે, જ્યારે પાકિસ્તાને પણ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરવાના સહિતના નિર્ણય લીધા છે. બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભારત સરકારે તાજેતરમાં જ તમામ રાજ્યોને મોક ડ્રીલ યોજવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણીની સાયરન, કંટ્રોલ રૂમ, વાયુસેના દ્વાર હૉટલાઇન અને અગ્નિશામક સહિત મહત્ત્વની સેવાઓ ચકાસાશે.