દેશભરમાં સાઈરન વાગશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ: નાગરિકોને હુમલાથી બચવાની ટ્રેનિંગ અપાશે
Civil defence mock drill : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ અને પરમાણુ હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને આગામી સાતમી મેએ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવાનો નિર્દેશ કર્યો છે. આ મોક ડ્રીલમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. નોંધનીય છે કે આવી મોક ડ્રીલ છેલ્લે વર્ષ 1971માં યોજાઇ હતી, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.
મોક ડ્રીલમાં શું શું કરવામાં આવશે?
- હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.
- નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.
- મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.
- નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.
- મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે.
નોંધનીય છે કે કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ 26 સહેલાણીઓની ગોળી મારીને હત્યા કરી હતી. જે બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય નેતાઓએ આતંકવાદીઓને કડકમાં કડક સજા આપીશું તેવી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે સિંધુ સંધિ કરાર પર રોક, પાકિસ્તાનીઓના વિઝા રદ, એરસ્પેસ તથા વેપાર બંધ કરવા જેવા અનેક નિર્ણયો લીધા છે.