| (IMAGE - IANS) |
S. Jaishankar on Pakistan: વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આતંકવાદ ફેલાવતા 'ખરાબ પડોશી' સામે નાગરિકોની સુરક્ષા માટે ભારત કોઈપણ પગલું ભરવા સ્વતંત્ર છે. IIT મદ્રાસના કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, એક તરફ આતંકવાદ અને બીજી તરફ પાણીની વહેંચણીની અપેક્ષા સાથે ન ચાલી શકે.
બીજી તરફ, પહલગામ હુમલા બાદ સ્થગિત થયેલી સિંધુ જળ સંધિ વચ્ચે ભારતે ચિનાબ નદી પર 'દુલહસ્તી સ્ટેજ-II પાવર પ્રોજેક્ટ'ને મંજૂરી આપી દીધી છે. ભારતના આ આકરા વલણ અને પાવર પ્રોજેક્ટના નિર્ણયથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. જયશંકરે ભારપૂર્વક કહ્યું કે, આતંકવાદ સામે ભારતની પ્રતિક્રિયા કેવી હશે તેનો નિર્ણય માત્ર નવી દિલ્હી જ લેશે, કોઈ બહારની સલાહ સ્વીકારાશે નહીં.
ભારતનો કડક સંદેશ: રક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈશું
ભારતીય વિદેશ મંત્રીએ જણાવ્યું કે, 'જ્યારે વાત એવા ખરાબ પડોશીની હોય જે સતત આતંકવાદ ફેલાવ્યા કરે છે, ત્યારે ભારત પાસે પોતાના લોકોની રક્ષા કરવાનો પૂરો અધિકાર છે. અમારી સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જે કંઈ પણ જરૂરી હશે, તે અમે ચોક્કસ કરીશું. ભારત એ વાત ક્યારેય સ્વીકારી ન શકે કે કોઈ દેશ એક તરફ પાણી વહેંચવાની માંગણી કરે અને બીજી તરફ ભારતમાં આતંકવાદ ફેલાવે.'
જયશંકરે સ્પષ્ટ કર્યું કે, 'આતંકવાદના મુદ્દે ભારતની નીતિ અને કાર્યવાહી સંપૂર્ણપણે તેના પોતાના સાર્વભૌમ નિર્ણયો છે. અમે અમારા અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરીશું, તે અમારો નિર્ણય છે. કોઈ અમને એ ન કહી શકે કે અમારે શું કરવું જોઈએ અને શું નહીં. અમે અમારી સુરક્ષા માટે જે યોગ્ય લાગશે તે જ કરીશું.'
આતંક ફેલાવશો તો જળ સંધિના લાભ નહીં મળે
વિદેશમંત્રીએ ભારત-પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીના કરારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'આવા કરારો સારા પડોશી સંબંધોના પાયા પર ટકેલા હોય છે. ભારતે દાયકાઓ પહેલા પાણી વહેંચવાની વ્યવસ્થા પર સહમતી આપી હતી, પરંતુ એવું માનીને કે બંને દેશો વચ્ચે ઓછામાં ઓછી સદ્ભાવના અને સારા સંબંધો રહેશે. જો દાયકાઓ સુધી આતંકવાદ ચાલુ રહે, તો 'સારા પડોશી' હોવાની વાતનો કોઈ અર્થ રહેતો નથી.'
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'જો કોઈ દેશ એમ કહે કે તમે અમારી સાથે પાણી વહેંચો, પણ અમે તમારી સામે આતંકવાદ ચાલુ રાખીશું, તો આ બંને બાબતો એકસાથે શક્ય નથી. સારા પડોશી બન્યા વગર તેના લાભ મળી શકે નહીં.' જયશંકરેનું આ નિવેદનને સિંધુ જળ સંધિ જેવા કરારોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે, જેમાં પાકિસ્તાન અવારનવાર ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરતું રહ્યું છે.


