FOLLOW US

ભારતનો વળતો જવાબ, કેનેડાના રાજદ્વારીને હાંકી કાઢ્યા, પાંચ દિવસમાં જ દેશ છોડવા કહ્યું

કેનેડાએ હરદીપ સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો

કેનેડાના આ આરોપને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા

Updated: Sep 19th, 2023


કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હટાવ્યા હતા, ત્યારે હવે કેનેડાની આ કાર્યવાહીના જવાબમાં ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. સુત્રોના રિપોર્ટ અનુસાર ભારત સરકારે કેનેડાના હાઈ કમિશનરને સવારે બોલાવવામાં આવ્યા હતા અને કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને ભારતમાંથી હાંકી કાઢવાની માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ હાંકી કાઢવામાં આવેલા રાજદ્વારીને આગામી પાંચ દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.

કેનેડાના આરોપને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યા 

આ પહેલા વિદેશ મંત્રાલયે આજે જવાબ આપતા કહ્યું કે, કેનેડામાં હિંસામાં ભારત સરકારની સંડોવણીના આરોપો પાયા અને આધારભૂત વગરના છે. કેનેડાના વડાપ્રધાને ભારત સરકાર પર કરેલા આક્ષેપને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા. ભારતે કેનેડા પર ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓને આશ્રય આપવાનો આરોપ પણ લગાવ્યો છે.

શું કહ્યું હતું PM ટ્રુડોએ?

આગાઉ PM ટ્રુડોના જણાવ્યા અનુસાર, કેનેડાની સુરક્ષા એજન્સીઓ આ કેસ મામલે તપાસ કરી રહી છે. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીને કહેવામાં આવ્યું છે કે, જો ભારત સરકાર આ મામલામાં કોઈપણ રીતે સામેલ હશે તો તે સ્વીકાર્ય નહીં હોય અને તપાસમાં સહયોગની પણ માગ કરી હતી.

નિજ્જરની આ વર્ષે હત્યા થઈ હતી

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર, જેના પોસ્ટર મંદિરની બહાર લગાવવામાં આવ્યા છે, તેની આ વર્ષે 18 જૂને કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ  આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી તેમાં હરદીપ નિજ્જરનું નામ પણ સામેલ હતું. ભારતીય એજન્સી NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ હતો અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો.

Gujarat
English
Magazines