Fact Check: ટ્રમ્પના ટેરિફને પગલે ભારત અમેરિકાના શસ્ત્રો નહીં ખરીદે તેવા અહેવાલો ખોટા
India Denies Reports of Halting U.S. Arms and Aircraft Deals : ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. એવામાં આજે એવા અહેવાલો વહેતા થયા હતા કે ભારતે અમેરિકાથી સૈન્ય હથિયારો તથા એરક્રાફ્ટ ખરીદવાના પ્લાન પર રોક લગાવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારે અમેરિકાના શસ્ત્રો અને વિમાનો ખરીદવાની યોજનાઓને મુલતવી રાખી છે, આટલું જ નહીં અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રાજનાથ સિંહ શસ્ત્રોની ખરીદી પર વોશિંગ્ટનના પ્રવાસે જશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ હવે રાજનાથ સિંહનો પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે. જે બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે.
ભારતના સંરક્ષણ મંત્રાલયે આ મામલે સ્પષ્ટતા કરી છે કે અમેરિકાથી શસ્ત્રો તથા એરક્રાફ્ટ ખરીદવાની ડીલ પર રોક લગાવવાના અહેવાલ તદ્દન ખોટા છે.
ભારતના NSA રશિયામાં, PM મોદી ચીન જશે
બીજી તરફ દબાણ છતાં ભારત અમેરિકા સામે નમતું નહીં મૂકે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશના ખેડૂતો અને પશુપાલકોના હિતોની રક્ષા માટે ભારે કિંમત ચૂકવવા તૈયાર છીએ. ભારતના NSA અજિત ડોભાલે મોસ્કોમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. ભારતના વડાપ્રધાન આ જ મહિને ચીનની મુલાકાતે જશે. વ્લાદિમીર પુતિન પણ આગામી દિવસોમાં ભારતની મુલાકાતે આવશે. આટલું જ નહીં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ પણ PM મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.
ટેરિફ મુદ્દે સમાધાન થાય પછી જ ભારત સાથે વાતચીત કરીશું: ટ્રમ્પ
નોંધનીય છે કે આજે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ટેરિફ મુદ્દે સમાધાન ન થાય ત્યાં સુધી ભારત સાથે ટ્રેડને લઈને કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં. ગયા સપ્તાહે જ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જે બાદ ટ્રમ્પે ટેરિફ 25થી વધારીને 50 ટકા કર્યો. આગામી 27 ઑગસ્ટથી આ ટેરિફ લાગુ થશે. અમેરિકાની જાહેરાત બાદ ભારતના વિદેશ મંત્રાલયે ટેરિફને અનુચિત અને અવિવેકપૂર્ણ ગણાવ્યા હતા. ભારતે જવાબ આપ્યો હતો કે અમે રાષ્ટ્રહિત તથા આર્થિક સુરક્ષાને ધ્યાને રાખી જરૂરી તમામ નિર્ણય લઈશું.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે ભારત રશિયાથી ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં ફંડિંગ આપે છે. ભારતે જવાબ આપ્યો છે કે યુરોપ અને અમેરિકા પોતે પણ રશિયાથી ખનીજ તથા ઓઇલ-ગેસની ખરીદી કરે જ છે.
અગાઉ પણ ટ્રમ્પે ભારત વિરુદ્ધ વારંવાર આપ્યા ઝેરી નિવેદન
નોંધનીય છે કે ઘણા સમયથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી. જોકે અમેરિકાની શરતો પૂરી ન કરી શકવાના કારણે સમજૂતી થઈ શકી નહોતી. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી અમેરિકા જતાં સામાન પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલની જાહેરાત સાથે ભારતને ટોણો પણ માર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં તેલના ભંડાર હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે બની શકે કે ભવિષ્યમાં ભારત પાકિસ્તાનથી ઓઇલ ખરીદે. આ સિવાય ટ્રમ્પે ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યું હતું. ટ્રમ્પે બળાપો કાઢતા કહ્યું હતું કે રશિયા અને ભારત તેમના મૃત અર્થતંત્રને હજુ તળિયે લઈ જાય, મને કોઈ ફરક નથી પડતો.
ટેરિફથી કમાણી કરી દેવું ચૂકવશે ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી દુનિયાના વિવિધ દેશો પર વિવિધ ટેરિફની જાહેરાત કરી રહ્યા છે. તેમની ટેરિફ નીતિના કારણે વિશ્વના વેપાર પર ભારે અસર પડી છે ત્યારે ટ્રમ્પનું માનવું છે કે આ નીતિના કારણે અમેરિકાને સેંકડો કરોડ ડોલરની આવક થશે. ટ્રમ્પે પોતાની નીતિના વખાણ કરતાં કહ્યું છે, કે 'આ નીતિ તો ઘણા વર્ષો પહેલા જ લાવવાની જરૂર હતી. અમેરિકા પાસે ઘણું ધન આવશે. આ ધનથી સૌથી પહેલા અમે દેવું ચૂકવીશુ. હું પહેલા કાર્યકાળમાં જ આ કામ કરવાનો હતો પરંતુ કોવિડના કારણે ન થઈ શક્યું. આપણો દેશ હવે સેંકડો કરોડ ડૉલર કમાશે.'