કોરોનાસૂરે ભારતમાં મચાવી તબાહી : 31 માર્ચ સુધી કાબુમાં રહેલા દૈત્યએ 9 દિવસમાં જ 4 ગણા કેસ કરી દીધા
અમદાવાદ, તા. 9 એપ્રિલ 2020, ગુરૂવાર
ચીનમાંથી ઉત્પન્ન થયેલા કોરોના વાયરસે પહેલાં ચીનને પોતાના સકંજામાં લીધું ત્યારે જ એશિયાના બીજા નંબરની વસતિ ધરાવતા મહાકાય ભારત દેશ માટે તે કેવી આફત સર્જવાનો છે તેના એંધાણ મળી ગયા હતા. જો કે ચીનથી ભારત આવવાની જગ્યાએ કોરોનાએ યુરોપમાં તોફાન મચાવ્યું અને સમગ્ર યુરોપની કમર ભાંગી નાખી.
સાવચેતીના ભાગરૂપે ભારતે પહેલાં એક દિવસનું અને બાદમાં હવે 21 દિવસનું લોકડાઉન કર્યું છે. આગામી 14 એપ્રિલ લોકડાઊનનો છેલ્લો દિવસ છે. આ વચ્ચે ભારત માટે એક ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે.
નજીવા 9 દિવસમાં કોરોનાનો ચાર ગણો ત્રાસ વધ્યો
31 માર્ચ સુધી દેશમાં 1634 જ કેસ હતા. આ દરમિયાન ભારતમાં કોરોના કન્ટ્રોલમાં છે તેવી લોકોને પણ આશા હતી. પણ કોરોના ત્યારે દેશમાં બીજા તબક્કામાં હતો. ખરો ખેલ હવે ત્રીજા તબક્કામાં શરૂ થયો છે. માત્ર 9 દિવસના નજીવા ગાળામાં કોરોનાએ તબાહી મચાવતા ભારતમાં પોઝીટીવ કેસનો આંકડો 6237 સુધી પહોંચી ગયો છે. જેથી અનુમાન સેવવામાં આવી રહ્યું છે કે આજ રાત સુધીમાં દેશમાં 6400થી 6500ના આળેગાળે કોરોનાનો આંકડો પહોંચશે. જે ત્રીજા તબક્કાની શરૂઆતમાં જ ભયજનક છે, કારણ કે આ આંકડો એ વાતની સાબિત આપી રહ્યો છે કે દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં 4 ગણો વધારો થઈ ગયો છે. તે પણ માત્ર ગણતરીના 9 જ દિવસોમાં.
ભારતમાં મહારાષ્ટ્ર સૌથી આગળ
ભારતમાં જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમિતોની સૌથી વધારે સંખ્યા છે. જ્યાં 1297 કેસ નોંધાયા છે. તમિલનાડુમાં 738, દિલ્હીમાં 669 અને તેલંગણામાં 453 કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 241 કેસ નોંધાયા છે.
એપ્રિલમાં એવરેજ દરરોજ નવા 500 કેસ નોંધાયા.
દેશમાં 7 માર્ચે કોરોનાના 34 કેસ સામે 1 મહિનામાં કોરોના સંક્રમિતોના કેસ આજે 6237 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા સપ્તાહમાં ખૂબજ ઝડપથી તેનો દેખાડો કરી રહ્યું છે. 19 માર્ચે દેશમાં પૂરા 200 કેસ પણ કોરોનાના નહોતા નોંધાયા ત્યારે મૃત્યુ આંક પણ 4 હતો. કોરોનાને કારણે દેશમાં સૌથી પહેલા મોતના સમાચારો પણ 12 માર્ચે આવ્યા હતા. દેશમાં 31 માર્ચ સુધી મોતની સંખ્યા 49 હતી. તે પછી છેલ્લા અઠવાડિયામાં મોતની સંખ્યા પણ વધી ગઈ છે. 7 એપ્રિલ સુધીમાં કોરોનાને કારણે ભારતમાં 163 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે કોરોનાને કારણે 26 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો ગ્રાફ પણ એપ્રિલ મહિનામાં ખૂબ વધ્યો છે. 21 માર્ચ પછીથી કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ મોટા આંકડામાં વધવા લાગી છે. 23 માર્ચ સુધી 500ની અંદર રહેલો આંક આજે વધીને 6237 સુધી પહોંચી ગયો છે.
7 દિવસમાં ત્રણ ગણું અને આજે ચાર ગણું થયું.
31 માર્ચના કુલ નવા 306 કેસો સાથે 1635 કોરોના સંક્રમિતો હતા. કોરોના સંક્રમિતોની સંખ્યા છેલ્લા 9 દિવસમાં ચાર ગણું વધી ગયું છે. છેલ્લા સપ્તાહમાં એવરેજ 500 નવા સંક્રમિતો વધી રહ્યા છે. કોરોના રિકવરીનો આંક પણ 569 સુધી પહોંચવા આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને હરાવવામાં 569 લોકો સફળ રહ્યા છે. ગઈકાલે વધુ 74 લોકોને રજા આપવામાં આવી હતી. હજુ પણ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6237 છે.
વિશ્વભરમાં આંકડો 15 લાખને પાર
સમગ્ર દુનિયામાં કોરોનાના કેર યથાવત છે અને વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા 15 લાખને પાર થઈ છે. 15,29,968 કેસ સામે આવ્યા છે. જ્યારે મૃત્યુઆંક 89 હજાર 426ને પાર થયો છે અને અત્યાર સુધી 3 લાખ 37 હજારથી વધુ લોકો સાજા પણ થાય છે. અમેરિકા, સ્પેન, ઈટાલી, જર્મની અને ફ્રાન્સ સહિતના પાંચ દેશોમાં એક લાખથી વધુ કેસ છે. ઈટાલીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 17 હજાર 669થી વધુ છે. જ્યારે સ્પેનમાં 15,238 અને અમેરિકામાં 14 હજાર 797થી વધુ મૃત્યુઆંક છે. જ્યારે ફ્રાન્સમાં 10 હજાર 800થી વધુ લોકોના મોત થયા છે.
જગત જમાદાર અમેરિકામાં 24 કલાકમાં 1900નાં મોત
વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોનાનો કેર યથાવત જોવા મળી રહ્યો છે અને સતત બીજા દિવસે દિવસે પણ કોરોનાથી 24 કલાકમાં એક હજાર નવસોથી વધુ લોકોના મોત થયા છે. આ સાથે જ યુએસમાં કુલ મૃત્યુઆંક 14 હજાર 797થી વધુ થયો છે. અમેરિકામાં અત્યાર સુધી ચાર લાખ 35 હજાર 160થી વધુ પોઝીટીવ કેસ થયા છે. એટલે કે ચીન કરતાં પાંચ ગણા કેસ એકલા અમેરિકામાં છે. યુએસમાં અત્યાર સુધી બાવીસ હજાર 891થી વધુ લોકો સારવાર બાદ સાજા થયા છે.
અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના સંક્રમણના કારણે રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં 779 લોકોના મોત થયા છે અને ન્યુયોર્કના ગર્વનરે હજુ પણ મોતની સંખ્યા વધે તેવી ચિંતા વ્યકત કરી. ન્યૂયોર્કના ગવર્નરે કહ્યું હતુ કે ૨૦૦૧ના આતંકી હુમલા કરતા પણ આ શહેરમાં કોરોનાથી મૃત્યુ વધી ગયા છે. એ આતંકી હુમલા વખતે શહેરમાં કુલ ૨,૭૫૩ મોત થયા હતા. અમેરિકામાં કોરોના દરદીઓ રોકેટ ગતીએ વધી રહ્યાં છે. કુલ કેસ ૪ લાખથી ઉપર પહોંચી ગયા છે.