‘આવું કરીશું તો બંને દેશોને નુકસાન થશે’ ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત વખતે બોલ્યા એસ.જયશંકર
India-China Relations : વિદેશમંત્રી એસ.જયશંકર (India External Affairs Minister S.Jaishankar) 2020માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ ચીનના પ્રવાસે ગયા છે. તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન-2025ના સંમેલનમાં ભાગ લેવા માટે ત્યાં ગયા છે. આ દરમિયાન તેમણે ચીનના વિદેશમંત્રી વાંગ યી (Wang Yi) સાથે બેઠક યોજી વેપાર, સરહદ વિવાદથી લઈને પુનઃ શાંતિ સ્થાપવા સહિતની વાત કરી છે.
‘...તો બંને દેશોને નુકસાન થશે’ : જયશંકર
જયશંકરે કહ્યું કે, ‘ભારત-ચીને પરસ્પર વેપાર કરવા માટે કોઈપણ પ્રકારના પ્રતિબંધ ન લાદવા જોઈએ. આમ કરવાથી બંને દેશોનું નુકસાન થશે. જો બંને દેશોના લોકો એકબીજાને મળતા રહેશે તો સહયોગ વધશે અને સંબંધો પણ મજબૂત થશે. બંને દેશોએ પરસ્પર સન્માન, હિત અને એકબીજા પ્રત્યે સંવેદનાઓને સમજવાના આધારે સંબંધો સંભાળવા જોઈએ. સરહદ પર શાંતિ જળવાયા બાદ અને સંબંધો સ્થિત થવાના કારણે બંને દેશોના સંબંધોમાં સુધારો થયો છે. હવે બંને દેશો વેપારમાં વધુ ભાગીદારી કરી શકશે.’
‘ભારત-ચીનના સંબંધો વિશ્વભર માટે ફાયદાકારક’
જયશંકરે વધુમાં કહ્યું કે, ‘ભારત-ચીનના સંબંધો માત્ર આપણા બંને દેશો માટે જ નહીં, વિશ્વભર માટે ફાયદાકારક છે. વિશ્વભર ભારત-ચીનના સંબંધો પર નજર રાખીને બેઠી છે. છેલ્લા 9 મહિનામાં બંને દેશોના સંબંધોમાં ઘણો સુધારો થયો છે અને વાતચીત દ્વારા સંબંધો સારા બનાવવાની દિશમાં આગળ વધી રહ્યા છે. ગત વર્ષે કઝાનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થયા બાદ બંને દેશોના સંબંધોમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. બંને દેશોએ સંબંધો વધુ સારા બનાવવા માટે ભવિષ્યના વિચારો સાથે આગળ વધવું પડશે.’