'કોઈ ભ્રમમાં ન રહેતા, અરુણાચલ અમારું જ છે', યુવતી સાથે દુર્વ્યવહાર મામલે ભારતનો ચીનને જવાબ

Arunachal Pradesh Border Dispute: અરુણાચલ પ્રદેશની એક ભારતીય નાગરિક સાથે ચીનમાં આઘાતજનક ઘટના બની છે. પેમા વાંગ થૉંગડૉક નામની આ મહિલાએ ચીની ઇમિગ્રેશન અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે 21 નવેમ્બરના રોજ શાંઘાઈના પુડૉંગ એરપોર્ટ પર તેને 18 કલાક સુધી રોકી રાખવામાં આવી અને હેરાન કરવામાં આવી હતી. અધિકારીઓએ તેના ભારતીય પાસપોર્ટને માન્ય ગણવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. લંડનથી જાપાન જઈ રહેલી થૉંગડૉક માત્ર ત્રણ કલાકના ટ્રાન્ઝિટ સ્ટે માટે શાંઘાઈ પહોંચી હતી, ત્યારે અધિકારીઓએ દાવો કર્યો કે તેનો પાસપોર્ટ 'અમાન્ય' છે કારણ કે તેમાં દર્શાવેલું જન્મસ્થળ, 'અરુણાચલ પ્રદેશ છે, જે ચીનનો હિસ્સો છે.'
આ ઘટના બાદ ભારતે ચીનને સખત ભાષામાં જોરદાર જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે ચીન ભ્રમમાં ન રહે, અરુણાચલ અમારું જ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાના તરત બાદ ભારતે બેઇજિંગ અને નવી દિલ્હીમાં ચીની પક્ષ સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો અને તેમને શિકાગો-મોન્ટ્રિયલ કન્વેન્શનની યાદ અપાવી.
શું છે સમગ્ર મામલો?
21 નવેમ્બરના રોજ થૉંગડૉક લંડનથી જાપાન જઈ રહી હતી અને 3 કલાકના લેઓવર માટે શાંઘાઈમાં ઉતરી હતી. તેણે 'X' પરની એક પોસ્ટમાં જણાવ્યું કે, ચીન ઇમિગ્રેશન અને ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ કૉર્પોરેશન લિમિટેડના દાવાઓને કારણે તેને 21 નવેમ્બરે શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવી.
શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાક સુધી અટકાયત અને હેરાનગતિ
અધિકારીઓએ તેના ભારતીય પાસપોર્ટને 'અમાન્ય' ગણાવ્યો, કારણ કે તેનું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ હતું, જેને તેઓએ 'ચીની વિસ્તાર' ગણાવ્યો. થૉંગડૉકના જણાવ્યા મુજબ, ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ તેનો પાસપોર્ટ જપ્ત કર્યો અને તેની ભારતીય નાગરિકતા માનવાનો પણ ઇનકાર કરી દીધો. તેમી પાસે જાપાનીઝ વીઝા હોવા છતાં તેને આગળની ફ્લાઇટમાં ચઢતા રોકવામાં આવી હતી.
ચીની પાસપોર્ટ માટે અરજી કરવા સુધીની સલાહ આપી
થૉંગડૉકે આક્ષેપ કર્યો કે ઘણા ઇમિગ્રેશન અધિકારીઓ અને એરલાઇન્સના સ્ટાફે તેની મજાક ઉડાવી અને તેને ચીની પાસપોર્ટ માટે અરજી કરવા સુધીની સલાહ આપી. તેને ભોજન કે અન્ય એરપોર્ટની સુવિધાઓ પણ મળી ન હતી. અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી, તેણે યુકેમાં રહેતા એક મિત્ર મારફતે શાંઘાઈ સ્થિત ભારતીય કૉન્સ્યુલેટનો સંપર્ક કરવો પડ્યો. આખરે, કૉન્સ્યુલેટના હસ્તક્ષેપ બાદ તે મોડી રાત્રે એરપોર્ટ પરથી નીકળી શકી અને પોતાની યાત્રા ફરી શરૂ કરી શકી.
વડાપ્રધાન મોદી પાસે હસ્તક્ષેપની માંગ
આ ઘટનાને ભારતની સાર્વભૌમતાનું સીધું અપમાન ગણાવતા, થૉંગડૉકે પીએમ મોદી અને ભારતીય અધિકારીઓને ચીન સમક્ષ આ મુદ્દો ઉઠાવવા માટે અપીલ કરી છે. તેમણે કેન્દ્ર સરકારને જવાબદારી નક્કી કરવા, વળતર (કૉમ્પેન્સેશન) માંગવા અને એ વાતની ખાતરી આપવા માટે વિનંતી કરી છે કે અરુણાચલ પ્રદેશના તમામ ભારતીયોને વિદેશ યાત્રા દરમિયાન આવા ભેદભાવથી બચાવવામાં આવે.
અરુણાચલ પર ભારતનું વલણ
ભારતે અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવાના ચીનના અર્થહીન પ્રયાસોને હંમેશા નકારી કાઢ્યા છે. ચીન આ વિસ્તારને 'ઝંગનાન' અથવા 'તિબેટનો દક્ષિણી હિસ્સો' કહે છે. મે મહિનામાં ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતીય વિસ્તારોના નામ બદલવાથી એ સનાતન સત્ય નહીં બદલાય કે આ રાજ્ય હંમેશા ભારતનો અભિન્ન અંગ હતું, છે અને રહેશે. ભારતે આ વાત ચીનના તે દાવાઓના જવાબમાં કરી હતી, જેમાં ચીને ઉત્તર-પૂર્વના આ રાજ્યમાં 27 સ્થળોના ચીની નામ રાખવાની વાત કરી હતી. તેમાં મુખ્યત્વે 15 પર્વતો, 4 ઘાટ, 2 નદીઓ, 1 તળાવ અને 5 વસવાટવાળા વિસ્તારોનો સમાવેશ થતો હતો.

