રશિયન ઓઇલ મુદ્દે NATO પ્રમુખની ધમકી પર ભારતનો સત્તાવાર જવાબ- લોકોની જરૂરિયાત અમારી પ્રાથમિકતા
India Hits Out At NATO: વિદેશ મંત્રાલયે NATOના સેક્રેટરી જનરલ માર્ક રૂટની ભારતને આપવામાં આવેલી ચેતવણીનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે રશિયામાંથી ક્રૂડ ખરીદવા મામલે NATOને કહ્યું છે કે, અમારા નાગરિકોની સુરક્ષા અને ઉર્જાની જરૂરિયાતને અમે હંમેશા પ્રાધાન્ય આપીશું.
NATOની ધમકી પર ભારતનો સત્તાવાર જવાબ
રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર સેકેન્ડરી પ્રતિબંધોના અનેક અહેવાલો જોયા છે. તેના પર અમે ફોકસ કરી રહ્યા છીએ. હું સ્પષ્ટપણે કહીશ કે, પોતાના નાગરિકોની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી એ અમારા માટે હંમેશા પ્રાથમિકતા રહી છે. આ દિશામાં અમે માર્કેટમાં ઉપલબ્ધ વિકલ્પો અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં નિર્ણયો લઈશું. આ મામલે કોઈ બેવડું વલણ અપનાવવામાં આવશે નહીં.
NATOએ આપી હતી ચીમકી
NATOના સેક્રેટરી જનરલ માર્ક રૂટે બુધવારે ભારત, ચીન, અને બ્રાઝિલને ચીમકી આપી હતી કે, જો તેઓ રશિયા સાથે ક્રૂડ બિઝનેસ ચાલુ રાખશે તો તેમણે સેકેન્ડરી પ્રતિબંધો ( વધરાના પ્રતિબંધો/ટેરિફ)નો સામનો કરવો પડશે. આ ત્રણેય દેશોને રશિયાના પ્રેસિડન્ટ પુતિન સાથે વાત કરવા તેમજ યુક્રેન સાથે શાંતિ મંત્રણા માટે દબાણ કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે, વર્ષોથી ગાઢ મિત્ર રશિયા પાસેથી ભારત ક્રૂડ ખરીદવા માગે છે. અમેરિકાએ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રશિયા સાથે બિઝનેસ પ્રતિબંધો લાદ્યા હતાં. જો કે, ભારતને સસ્તા દરે ક્રૂડ ઓફર કરતું હોવાથી મોટાપાયે ક્રૂડની ખરીદી થઈ રહી છે. એવામાં NATOની ચીમકીથી વિવાદ સર્જાયો હતો. જો કે, ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે, પોતાના નાગરિકોની સુરક્ષા અને ઉર્જાની જરૂરિયાતો હંમેશા પ્રાથમિકતા રહેશે.
નિમિષાને શક્ય તેટલી મદદ કરાશે
રણધીર જયસ્વાલે યમનમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયા કેસ પર પણ ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકાર નિમિષા પ્રિયાને સંભવિત તમામ મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તમામ કાયદાકીય મદદ ઉપલબ્ધ કરાવી છે. તેના પરિવારની સહાયતા માટે એક વકીલની પણ નિમણૂક કરી છે. સ્થાનિક અધિકારીઓ અને તેના પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ.