હોર્મુઝના બદલે ભારતે નવો રસ્તો શોધી કાઢ્યો, ઓઇલ સંકટ દૂર કરવા આ દેશ સાથે કરી મોટી ડીલ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Strait of Hormuz: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કારણે ક્રૂડની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, જેનાથી ખાસ કરીને ભારત-ચીન સહિતના એશિયાના દેશો તેમજ યુરોપના દેશોમાં જતો તેલ-ગેસનો પુરવઠો ખોરવાયો છે. ઉલ્લેખનીય છે કે ખાડી દેશોના તેલ અને ગેસની દુનિયામાં સૌથી વધુ સપ્લાઈ થાય છે. ઘેરાયેલા સંકટ વચ્ચે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત હવે અન્ય સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેથી સ્પષ્ટ સંકેત છે કે ભારત હવે માત્ર 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' અથવા ખાડી દેશો પર નિર્ભર નથી.
ભારતે અંગોલા પાસેથી 20 લાખ બેરલ તેલ ખરીદ્યું
રોયટર્સના દાવા મુજબ, ભારતની સરકારી કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)એ ટેન્ડર દ્વારા અંગોલા પાસેથી 20 લાખ બેરલ તેલ ખરીદ્યું છે. મિડિલ ઈસ્ટનું તેલ મોંઘું થવાને કારણે અને તેની ઉપલબ્ધતા ઓછી હોવાને લીધે ભારતીય રિફાઇનર્સ હવે વેસ્ટ આફ્રિકન અને એશિયા-પેસિફિક ક્ષેત્રના ક્રૂડ/તેલને પસંદ કરી રહ્યા છે.
ભારત નવા રસ્તાઓની શોધમાં
ભારત અગાઉ તેલ-ગેસની આયાત માટે મિડિલ ઈસ્ટ પર 45 ટકા નિર્ભર હતું, પરંતુ હવે તે નવા વિકલ્પો શોધી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ભારતની ઉર્જા સપ્લાઈ ખૂબ જ પ્રભાવિત થઈ છે. ખાસ કરીને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નો રસ્તો બંધ થવાને કારણે ભારતમાં LPGનો પુરવઠો સૌથી વધુ ખોરવાયો છે.
યુદ્ધને કારણે મધ્ય પૂર્વનું તેલ વિશ્વમાં સૌથી મોંઘું
ગઈકાલે શુક્રવારે ઓમાન અને દુબઈના બેન્ચમાર્કમાં થોડી નરમાઈ જોવા મળી હતી, પરંતુ સપ્તાહની શરૂઆતમાં તેમાં તેજી આવી હતી કારણ કે મિડિલ ઈસ્ટના દેશોનું ક્રૂડ ઓઈલ વિશ્વનું સૌથી મોંઘું તેલ બની ગયું છે. આ સપ્તાહની શરૂઆતમાં બ્રેન્ટ ફ્યુચરની કિંમતો 2008માં 147.50 ડોલરના પાછલા રેકોર્ડને પણ પાર કરી ગઈ હતી. એશિયા જતા લાખો બેરલ તેલની કિંમત નક્કી કરતા બેન્ચમાર્કમાં અચાનક થયેલા વધારાએ એશિયન રિફાઇનર્સ માટે ખર્ચ વધારી દીધો છે, જેના કારણે તેઓ વિકલ્પો શોધવા અથવા ઉત્પાદન ઘટાડવા મજબૂર થયા છે.
ભારત ક્યાંથી અને કેટલું તેલ ખરીદી રહ્યું છે?
રોયટર્સ મુજબ, HPCL એ એક્સન (Exxon) પાસેથી ક્લોવ અને કેબિન્ડાના દસ લાખ બેરલ ખરીદ્યા છે, જેની કિંમત બ્રેન્ટ ક્રૂડ ઓઈલ કરતા લગભગ 15 ડોલર વધુ છે. તેની ડિલિવરી 1 થી 10 મે વચ્ચે થવાની છે. આ તેલ રાજસ્થાનના બાડમેરમાં સ્થિત 1,80,000 બેરલ પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતી રિફાઇનરી માટે ખરીદવામાં આવ્યું છે. આ ઉપરાંત HPCLએ વેપારી ટોટસા (Totsa) પાસેથી ફોરકાડોસ અને અગબામીના એક-એક મિલિયન બેરલ ખરીદ્યા છે. દેશની સૌથી મોટી તેલ રિફાઇનિંગ કંપની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) પણ પશ્ચિમ આફ્રિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના પ્રયાસો કરી રહી છે.








