ત્રિપુરામાં 3 બાંગ્લાદેશીના મોત પર હોબાળો, ભારત સરકારે ઢાકાને કહ્યું, ‘પશુઓ ચોરવા આવ્યા હતા’

India-Bangladesh Controversy : ત્રિપુરામાં 15 ઓક્ટોબરે ત્રણ બાંગ્લાદેશી નાગરિકોના મોતની ઘટનાને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવાદ થયો છે. બાંગ્લાદેશ સરકારે ભારત સમક્ષ ન્યાયની માંગ કરી છે, તો ભારત સરકારે ઘટના અંગે પ્રત્તિક્રિયા આપી છે.
સરહદ પાર કરી પશુઓ ચોરવા આવ્યા હતા : ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ બાંગ્લાદેશના આરોપોને ફગાવી કહ્યું કે, ‘આ ઘટના ભારતીય સીમાની અંદર બિદયાબિલ ગામમાં બની છે. ત્રિપુરામાં એક ઘટના બની, જેમાં ત્રણ બાંગ્લાદેશી તસ્કરોનાં મોત થયાં છે. આ ત્રણેય બાંગ્લાદેશી નાગરિકો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પશુઓની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે સ્થાનિક લોકોએ તેમનો વિરોધ કર્યો, ત્યારે તેઓએ ડંડા-ચાકુ વડે હુમલો કર્યો હતો, જેમાં એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું. જેના કારણે ગ્રામીણ લોકોએ હુમલાખોરનો વિરોધ કર્યો હતો.’
ત્રણેય મૃતદેહ બાંગ્લાદેશ તંત્રને સોંપાયા
તેમણે કહ્યું કે, ‘પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં બે બાંગ્લાદેશી નાગરિકોના મોત થઈ ગયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ હતો, જેનું બીજા દિવસે હોસ્પિટલમાં મોત થયું. ત્રણેયના મૃતદેહ બાંગ્લાદેશ તંત્રને સોંપી દેવામાં આવ્યા છે.’
બાંગ્લાદેશે શું કહ્યું?
બાંગ્લાદેશે આ ઘટના પર સખત વાંધો ઉઠાવ્યો છે અને મૃતક બાંગ્લાદેશી નાગરિકો માટે ન્યાયની માંગ કરી નિષ્પક્ષ તપાસ માટે વિનંતી કરી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઘટનાને ઘૃણાસ્પદ અને અસ્વીકાર્ય ગણાવતા આક્ષેપ લગાવ્યો છે કે, આ માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.
આ પણ વાંચો : VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ... સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ