'ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા...', હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Strait of Hormuz Crisis: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે લાંબા સમયથી બંધ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે બ્રિટનની આગેવાનીમાં એક અત્યંત મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં ભારત સહિત ફ્રાન્સ, જર્મની, ઈટાલી, કેનેડા અને યુએઈ જેવા દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ બેઠકમાં ભાગ લીધો હતો અને ભારતે સ્પષ્ટ શબ્દોમાં પોતાનું વલણ રજૂ કર્યું હતું. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'અમે એકમાત્ર એવો દેશ છીએ જેણે આ સંઘર્ષમાં પોતાના નાવિકો ગુમાવ્યા છે, તેથી આ દરિયાઈ માર્ગને વહેલી તકે ખોલવો જોઈએ.'
આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મુક્ત જળમાર્ગના સમર્થનમાં ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મુક્ત અને ખુલ્લી દરિયાઈ સુરક્ષાનું સમર્થન કરતું આવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની સુરક્ષિત અને સ્વતંત્ર અવરજવર થાય તે ભારતની પ્રાથમિકતા છે અને આ મુદ્દો ભારત સતત ઉઠાવતું રહ્યું છે.' નોંધનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન બાદ આ બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે આ વ્યૂહાત્મક જળમાર્ગની સુરક્ષા કરવાની જવાબદારી અન્ય દેશોની છે.
બેઠકમાં તાત્કાલિક સફળતાની આશા ઓછી: હોર્મુઝનો માર્ગ હજુ પણ પેચીદો
જોકે, આ બેઠકમાંથી તાત્કાલિક કોઈ મોટી સફળતા મળવાની આશા ઓછી છે, કારણ કે આ માર્ગ અત્યારે પણ પેચીદો બનેલો છે. ઈરાન દ્વારા આ માર્ગ લગભગ બંધ કરી દેવામાં આવતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. દુનિયાનો લગભગ 20% ઓઇલ અને એલએનજી(LNG)નો પુરવઠો આ સાંકડા માર્ગેથી પસાર થાય છે, જે ભારતની ઊર્જા જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્ત્વનો છે. આ જળમાર્ગમાં બિછાવેલી બારૂદી સુરંગો વચ્ચે જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હજુ પણ ઈરાન સાથે ગાઢ સંકલનની જરૂર જણાતી હોય તેમ નિષ્ણાતો માની રહ્યા છે.








