'સત્યજીત રેનું પૈતૃક મકાન ન તોડશો, અમે મ્યુઝિયમ બનાવવા મદદ કરીશું...', બાંગ્લાદેશને ભારતની અપીલ
Satyajit Ray House: બાંગ્લાદેશમાં બંગાળની સન્માનિત સાહિત્યિક અને સાંસ્કૃતિક હસ્તીઓની ત્રણ પેઢી સાથે જોડાયેલા એક ઘરને ધ્વસ્ત કરવામાં આવી રહ્યું છે. જેના પર ભારત સરકારે ભારે ચિંતા વ્યક્ત કરી છે. આ ઈમારત પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર અને પ્રકાશક ઉપેન્દ્રકિશોર રે નું પૈતૃક ઘર છે, જે બાંગ્લાદેશના મૈમનસિંહ શહેરમાં સ્થિત છે. ઉપેન્દ્રકિશોર, કવિ સુકુમાર રે ના પિતા અને મહાન ફિલ્મ નિર્માતા સત્યજીત રે ના દાદા હતા. આ સંપત્તિ વર્તમાનમાં બાંગ્લાદેશ સરકારની માલિકીની છે.
ભારતે કરી અપીલ
ભારતે મંગળવારે બાંગ્લાદેશને આ ઈમારત ધ્વસ્ત કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ બાંગ્લાદેશ સરકારને કહ્યું કે, આ ઘર બંગાળી સાંસ્કૃતિક પુનર્જાગરણ સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થળ છે. આ ઈમારતનું જીર્ણોદ્ધાર કરવામાં આવી શકે છે અને તેને સહિયારા વારસાની ઉજવણી કરતા સાહિત્યિક સંગ્રહાલયમાં રૂપાંતરિત કરી શકાય છે.
આ પણ વાંચોઃ દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં ફેઈલ થયા, RTIના ડેટામાં ચોંકાવનારો ઘટસ્ફોટ
ભારત સરકાર કરશે મદદ
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની સરકારને એ પણ કહ્યું કે, જો તેમના તરફથી આ ઈમારતના જીર્ણોદ્ધાર પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તો ભારત સરકાર મદદ કરવા માટે તૈયાર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આવી સ્મૃતિથી ભરેલી જગ્યાને તોડી પાડવું એ હ્રદયદ્રાવક છે. તેમણે બાંગ્લાદેશ અને ભારત સરકારને આ ઐતિહાસિક સ્થળના સંરક્ષણ માટે પગલું ભરવાનું આહ્વાન કર્યું અને રે પરિવારને બંગાળની સાંસ્કૃતિક વિરાસતનો પથપ્રદર્શક જણાવ્યું.
કોણ છે સત્યજીત રે?
જણાવી દઈએ કે, સત્યજીત રે ને વિશ્વ સિનેમાના મોટા ફિલ્મકારોમાંથી એક માનવામાં આવે છે. તેઓ ફિલ્મ ડિરેક્ટર હોવાની સાથોસાથ લેખક, સંગીતકાર અને ચિત્રકાર પણ હતા. બાંગ્લાદેશમાં સત્યજીત રેનું પૈતૃક ઘર લગભગ 100 વર્ષ પહેલાં તેમના દાદા ઉપેન્દ્રકિશોર રે એ બનાવ્યું હતું. વર્ષ 1947માં ભારતના ભાગલા બાદ આ સંપત્તિ તત્કાલિન પૂર્વ પાકિસ્તાનના આધિન થઈ ગયું હતું. પૂર્વ પાકિસ્તાન ત્યારે પાકિસ્તાનનો ભાગ હતો. ભારત સાથે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર બાદ પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશના રૂપે નવો દેશ બન્યો.
ઘર તોડીને શિશુ એકેડમી બનાવવાનો પ્લાન
નોંધનીય છે કે, આ ઘર જર્જરિત હાલતમાં હતું અને લગભગ એક દાયકાથી બિનઉપયોગી પડ્યું હતું. પહેલા તેમાં મૈમનસિંહ શિશુ એકેડેમી હતી, પરંતુ તેને લાવારિશ છોડી દેવામાં આવ્યું. એક બાંગ્લાદેશી અધિકારીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, નવી યોજનામાં શિશુ એકેડેમીનું સંચાલન ફરીથી શરૂ કરવા માટે એ જગ્યા પર નવી ઈમારતના નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે જૂની ઈમારતને ધ્વસ્ત કરવાનો છે.