Get The App

I.N.D.I.A. ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન, ‘વૉટ ચોરી’ વિરુદ્ધ સંસદથી EC ઓફિસ સુધી યોજશે વિશાળ પદયાત્રા

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
I.N.D.I.A. ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન, ‘વૉટ ચોરી’ વિરુદ્ધ સંસદથી EC ઓફિસ સુધી યોજશે વિશાળ પદયાત્રા 1 - image


I.N.D.I.A. Alliance March : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા કથિત 'વૉટચોરી'ના વિરોધમાં સોમવારે (11 ઓગસ્ટ) દિલ્હીમાં સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી એક વિશાળ પદયાત્રા યોજશે. આ માર્ચમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપાના પ્રમુખ અખિલેશ યાદવ અને ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જી સહિત 300 થી વધુ સાંસદો જોડાશે.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાશે પદયાત્રા

રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નેતૃત્વમાં વિપક્ષી સાંસદોનો પદયાત્રા સંસદ ભવન પરિસરમાંથી દિલ્હી સ્થિત ભારતીય ચૂંટણી પંચની ઓફિસ સુધી યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિપક્ષી નેતાઓ બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) અને ચૂંટણીમાં કથિત ગેરરીતિઓના મુદ્દાને લઈને ચૂંટણી પંચ પાસે મુલાકાત માટે સમય પણ માંગ્યો છે.

ખડગેએ સાંસદોને રાત્રિ ભોજનનું આમંત્રણ આપ્યું

પદયાત્રામાં જોડાનાર સાંસદો માટે રાત્રિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે (Mallikarjun Kharge)એ સાંસદોને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું છે. સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધીની પદયાત્રામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD), તૃણમૂલ કોંગ્રેસ (TMC), દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સહિત 25થી વધુ પક્ષો સામેલ તશે. સાંસદો સવારે 11.30 કલાકે સંસદ ભવનના મકર દ્વાર પાસેથી પદયાત્રાની શરૂઆત કરશે.

આ પણ વાંચો : ‘દસ્તાવેજ આપો, અમે તપાસ કરીશું’, રાહુલ ગાંધીના ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ

SIR અને વૉટ ચોરી મામલે ગઠબંધનના તમામ પક્ષો એક

આ બીજી વખત છે જ્યારે કોંગ્રેસ દ્વારા મતદાર યાદીમાં કથિત ગેરરીતિના મુદ્દે વિપક્ષી નેતાઓ માટે 'ડિનર મીટિંગ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગઠબંધનના નેતાઓ એકઠા થયા હતા. તે સમયે વિપક્ષી નેતાઓએ બિહારમાં 'SIR' અને 'વૉટ ચોરી' મોડેલ સામે સાથે મળીને લડવાનો સંકલ્પ લીધો હતો. આ ઘટનાઓ વિપક્ષી એકતા અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા માટેના તેમના પ્રયાસોને દર્શાવે છે.

રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર પ્રહાર, વેબપોર્ટલ પણ લોન્ચ કર્યું

રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે ઘણા દિવસથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. રાહુલે એક વેબ પોર્ટલ 'votechori.in/ecdemand' લોન્ચ કરીને લોકોને સમર્થન આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકતંત્રને બચાવવા માટે સ્વચ્છ મતદાર યાદી જરૂરી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘મતની ચોરી કરવી આપણા લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. એક વ્યક્તિ, વૉટના સિદ્ધાંતો પર હુમલા થઈ રહ્યા છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે સ્વચ્છ મતદાન યાદી હોવી જરૂરી છે. અમારી માંગણી સ્પષ્ટ છે કે, ‘મતદાર યાદીને ડિજિટલ સ્વરૂપમાં સાર્વજનિક કરવી જોઈએ. આ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા હોવી જોઈએ. જો આમ કરવામાં આવશે તો પ્રજા અને રાજકીય પક્ષો ડેટાનું ઓડિટ કરી શકશે.’

આ પણ વાંચો : 'વોટ ચોરી' વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ

Tags :