Get The App

'વોટ ચોરી' વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
'વોટ ચોરી' વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ 1 - image


Rahul Gandhi Vote Chori Campaign: કોંગ્રેસ સાંસદ અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરી વિરૂદ્ધ ડિજિટલ ઝુંબેશ શરૂ કરી છે. તેના માટે એક વેબસાઈટ લોન્ચ કરી છે, જેમાં જનતાને ચૂંટણીમાં ચાલી રહેલી કથિત ગેરરીતિઓ વિરૂદ્ધ ઝુંબેશમાં સામેલ થવાની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ પર આ અંગે માહિતી આપી હતી.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું હતું કે, 'વોટ ચોરી 'એક વ્યક્તિ, એક વોટ'ના માળખાગત લોકશાહી સિંદ્ધાત પર હુમલો છે.'  આ ટેગ સાથે તેમણે લોકોને ચૂંટણીમાં ચાલી રહેલી કથિત ગેરરીતિ વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે સ્પષ્ટ અને પારદર્શક મતદારોની યાદી અનિવાર્ય છે. ચૂંટણી પંચ સમક્ષ અમારી માગ સ્પષ્ટ છે- પારદર્શિતા જાળવો અને ડિજિટલ મતદારોની યોદી જાહેર કરો. જેથી પ્રજા અને રાજકીય પક્ષો તેનું ઓડિટ કરી શકે. તમે પણ અમારી સાથે જોડાઈને આ માગનું સમર્થન કરો- http://votechori.in/ecdemand  પર રજિસ્ટ્રેશન કરો અથવા 9650003420 પર મિસ્ડ કૉલ કરો.



યુઝર્સે ઝુંબેશને આપ્યું સમર્થન

કોંગ્રેસ સાંસદે આ લડાઈ લોકતંત્રની રક્ષા માટે શરૂ કરી હોવાનું જણાવ્યું છે. તેમની આ પોસ્ટ પર અનેક લોકોએ સમર્થન આપ્યું છે. તેમજ કમેન્ટ બોક્સમાં પોતાનું સમર્થન સર્ટિફિકેટ પણ શેર કર્યું હતું. એક યુઝરે લખ્યું હતું કે, હું પ્રતિક પાટિલ,  #VoteChoriની વિરૂદ્ધ છું. હું ચૂંટણી પંચ સમક્ષ ડિજિટલ મતદારોની યાદી જાહેર કરવાની માગનું સમર્થન કરુ છું. અન્ય એક શાદાબ ખાન નામના યુઝરે પણ આ ઝુંબેશને સમર્થન આપતાં ડિજિટલ મતદારોની યાદી રજૂ કરવાની માગ કરી હતી. મોબાઈલ નંબર પર પણ અનેક મિસ્ડ કૉલ મારફત લોકોએ પોતાનું સમર્થન જણાવ્યું હતું. રાહુલ ગાંધીને સમર્થનના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં.



ભાજપે સોગંદનામું આપવાની માગ કરી

રાહુલ ગાંધીની વોટ ચોરી વિરૂદ્ધની ઝુંબેશ વચ્ચે ભાજપ અને ચૂંટણી પંચે તેમને સોગંદનામું આપવા કહ્યું છે. ભાજપ પ્રવક્તા અમિત માલવિયે ચૂંટણી પંચની સોગંદનામાની માગ કરતી પોસ્ટ શેર કરી હતી. તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ સાંસદને પોતાનું સોગંદનામું રજૂ કરવા કહો. જો રાહુલ ગાંધી પોતાની વિશ્વસનીયતાને મહત્ત્વ આપી રહ્યા છે, તો તેમણે ઘોષણા-શપથ હેઠળ તે અયોગ્ય મતદારોના નામ રજૂ કરવા પડશે. તેઓ પોતાનું સોગંદનામું રજૂ કરે. 

સોગંદનામાનો ઈનકાર આરોપોને પાયાવિહોણા બનાવે છે

અમિત માલવીયે આગળ કહ્યું કે, સોગંદનામું રજૂ કરવાનો ઈનકાર ચિત્ર સ્પષ્ટ કરશે કે, તેમની પાસે કોઈ નક્કર પુરાવા નથી. તેઓ માત્ર રાજકીય નાટક કરી રહ્યા હતાં. તેમનો ઉદ્દેશ તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાના તેમજ જનતાના મનમાં શંકા ઉભી કરવા અને સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે જવાબદાર બંધારણીય સંસ્થાને બદનામ કરવાનો હતો. તેમનું આ આચરણ બેદરકારીભર્યું અને લોકતંત્ર માટે અત્યંત હાનિકારક છે.

Tags :