Get The App

આવકવેરા ખાતું પણ હવેથી AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે! જાણો કેવા લોકો રડારમાં

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
Income Tax AI Monitoring


Income Tax AI Monitoring: આયકર વિભાગ AI-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લઈને હવે બેન્ક ખાતાંઓ પર નજર રાખી રહી છે. બેન્કના બચત બેન્ક ખાતાંમાં અસામાન્ય રીતે ઊંચું બેલેન્સ જોવા મળશે તો પણ કરદાતાની પૂછપરછ કરે તેવી સંભાવના છે. જો તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં ખર્ચ ઓછો હોવા છતાં વધારે સિલક-બેલેન્સ દેખાય તો પણ આવકવેરા વિભાગ તમારા નાણાંના સ્ત્રોત અંગે સ્પષ્ટતા માંગે તેવી શક્યતા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટ્રેકિંગથી વિભાગે ઘણા કિસ્સાઓ શોધી કાઢ્યા છે જેમાં વ્યક્તિઓએ અજાણ્યા સ્ત્રોતમાંથી મળેલા નાણાં વાપર્યા હોવાનું બહાર આવ્યું છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નાણાંના સ્ત્રોતની તપાસ

જો પગારના ખાતાંમાંથી તમારા ખર્ચા ઓછા થતા હોય અને તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં ઊંચુ બેલેન્સ છે, તો આવકવેરા વિભાગ તમારા નાણાં ક્યાંથી આવ્યા તેની પૂછપરછ કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અનેક કિસ્સાઓ પકડી આવકવેરા વિભાગને પકડી પાડવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રકારના કિસ્સાઓમાં વ્યક્તિઓએ મોટી રકમ બેન્કમાં જમા કરી હતી પણ ખર્ચ માટે ખૂબ જ ઓછા નાણાંનો ઉપાડ કર્યો હતો.

ડેટા એનાલિસિસથી રહસ્યમય વ્યવહારો પકડાયા

આવકવેરા વિભાગે તપાસ અને ડેટા એનાલિસિસ- એકત્રિત થયેલી માહિતીનું વિશ્લેષણ કર્યું તેના પરથી જાણવા મળ્યું છે કે ઘણા ખાતાંધારકો વર્ષોથી પગારના ખાતાંમાંથી માત્ર નાની રકમ જ ઉપાડતા હતા. જ્યારે નોટિસ મોકલવામાં આવી, ત્યારે ઘણા લોકોએ રોજિંદા ખર્ચ, બાળકોની ફી અને અન્ય જરૂરિયાતો માટે પૈસા ક્યાંથી આવ્યા તે સમજાવી શક્યા ન હતા. 

બ્લેક મનીનો ઉપયોગ: કરચોરીની સંભાવના

બેન્કના રેકોર્ડ મુજબ આવા ખાતાઓમાંથી રોકડ ઉપાડ ખૂબ ઓછી હતી. પરિણામે આવકવેરા અધિકારીઓએ માની લીધું હતું કે આ પ્રકારના કરદાતાઓ ગુપ્ત કે અઘોષિત આવકનો ઉપયોગ રોજિંદા ખર્ચ કરવા માટે કરી રહ્યા હતા. આ નાણાં તેમની આવકમાં બતાવતા જ નહોતા. આમ તેઓ જાહેર ન કરેલી આવકના નાણાંનો એટલે કે બ્લેક મનીનો ઉપયોગ કરી રહ્યા હતા. આવકવેરા વિભાગે આવા કિસ્સાઓમાં કરચોરીની સંભાવના માનીને નોટિસ મોકલવા માંડી છે.

પગારદાર કરદાતાઓ દ્વારા નવી કરચોરીની પદ્ધતિ

આવકવેરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પહેલેથી આ પ્રકારની કરચોરીની પદ્ધતિ વેપારી વર્ગમાં વધુ જોવા મળતી હતી. તેમાં વ્યક્તિગત ખર્ચને કંપનીના ખર્ચ તરીકે બતાવવામાં આવતો હતો. પરંતુ હવે આ રીત પગારદાર કરદાતાઓ પણ અપનાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. 

આ પણ વાંચો: દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ

ઉદાહરણ આપીને વાત કરીએ તો એક કરદાતા મહિનાનો પગાર મેળવે છે. તેની સાથે ભાડે આપેલા ઘરના ભાડાંની આવક પણ ધરાવે છે. આ કરદાતા ભાડું રોકડેથી લઈને તેના આવકવેરાના રિટર્નમાં ભાડાંની આવક બતાવતો જ નથી. આવકવેરાના કાયદા હેઠળ ભાડાંની આવક જાહેર કરવી ફરજિયાત છે.

AI દ્વારા સેવિંગ્સ એકાઉન્ટનું સઘન મોનિટરિંગ

આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે કે આવકવેરા વિભાગ હવે આવા સેવિંગ્સ એકાઉન્ટ્સ પર નજર રાખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યો છે. આર્ટિફિશિયલ જોડાયેલા વર્ષભરના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરે જ છે. આ વિશ્લેષણ કરીને એવા ખાતાઓ શોધે છે, જેમાં જમા રકમ ઉપાડ કરતા ઘણી વધારે હોય છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાની આવકના 30-40 ટકા જેટલો ભાગ જીવન જરૂરિયાતો માટે ખર્ચે છે. જો કરદાતા બેન્કના ખાતાંમાંથી ઉપાડ ઓછો કરતા હોય તો તે ખાતાંને તપાસ માટે પસંદ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સિસ્ટમ પાન કાર્ડ સાથે ઇન્ટેલિજન્સ આધારિત દેખરેખથી આવકવેરા વિભાગ હવે જાહેર કરેલી આવક અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત સરળતાથી શોધી શકે છે.

આવકવેરા ખાતું પણ હવેથી AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે! જાણો કેવા લોકો રડારમાં 2 - image

Tags :