Get The App

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 'ખેલ': આ પક્ષે NDAને સમર્થન આપતાં એકઝાટકે વધી ગયા 11 વોટ

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
Vice Presidential Election


Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAની જીત નિશ્ચિત મનાઈ રહી છે. આ દરમિયાન YSRCPના અધ્યક્ષ જગન મોહન રેડ્ડીએ NDAના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પીયૂષ ગોયલ સાથેની મુલાકાત બાદ રેડ્ડીએ આ નિર્ણય લીધો હતો, જેનાથી NDAને સીધા 11 મતોનો ફાયદો થયો છે. YSR કોંગ્રેસના લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે.

કોંગ્રેસના આકરા પ્રહાર: 'જગન રેડ્ડીનો વિશ્વાસઘાત'

કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે X પર પોસ્ટ કરીને કહ્યું કે આંધ્રપ્રદેશના લોકો જગન મોહન રેડ્ડીનો વિશ્વાસઘાત ભૂલશે નહીં. તેમણે આક્ષેપ કર્યો કે રેડ્ડીએ રાજ્યના હિતને બદલે પોતાના CBI કેસના ડરથી RSS-સમર્થિત ઉમેદવારને સમર્થન આપ્યું છે.

ટાગોરે જણાવ્યું કે, 'જગન મોહનનો આ નિર્ણય કોઈ રાજકીય રણનીતિ નથી, પરંતુ નરેન્દ્ર મોદીના દબાણ સામેનું આત્મસમર્પણ છે.' તેમણે તમામ સાંસદોને અપીલ કરી કે તેઓ બંધારણનું સમર્થન કરનાર ઉમેદવારને જ મત આપે, નહીં કે RSSના ઉમેદવારને.'

NDAનું પલડું ભારે

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાર મંડળમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા, 12 નામાંકિત અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે, જે કુલ 788 સભ્યો છે (વર્તમાનમાં 781). આ વખતે બંને ઉમેદવારો દક્ષિણ ભારતમાંથી છે, જેમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણન તમિલનાડુથી અને વિપક્ષના રેડ્ડી તેલંગાણાથી છે. આંકડા મુજબ એનડીએનું પલડું ભારે છે, જોકે રેડ્ડીએ આ લડાઈને વૈચારિક ગણાવી છે.

શું છે સમીકરણો?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફક્ત લોકસભા અને રાજ્યસભાના સાંસદો જ મતદાન કરી શકે છે, જેમાં રાજ્યસભાના 12 નામાંકિત સભ્યો પણ સામેલ છે. લોકસભામાં કુલ 542 અને રાજ્યસભામાં 239 સાંસદો છે. BJD, BRS, શિરોમણિ અકાલી દળ અને એક અપક્ષ સાંસદે મતદાનમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે. કુલ 788માંથી ખાલી સીટો બાદ કરતાં સાંસદોની સંખ્યા 781 છે, પરંતુ મતદાન કરનારા સાંસદોની સંખ્યા 770 છે, તેથી બહુમતીનો આંકડો 391 છે.

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી LIVE: PM મોદી, રાહુલ ગાંધી, ખડગે તથા અન્ય સાંસદોએ કર્યું મતદાન

લોકસભાના 542 સાંસદોમાંથી NDA પાસે 293 સાંસદોનું સમર્થન છે, જેમાં એકલા ભાજપના 240 સાંસદો છે. આ ઉપરાંત TDPના 16, JDUના 12, શિવસેનાના 7 અને લોજપાના 5 સાંસદો પણ NDAની સાથે છે. હવે YSRCPએ પણ સમર્થન જાહેર કરતાં NDAનું સંખ્યાબળ વધુ મજબૂત બન્યું છે.

રાજ્યસભામાં, ભાજપના 102 સાંસદો સહિત NDA પાસે કુલ 125 સાંસદો છે. YSR કોંગ્રેસના 7 સાંસદોના સમર્થન સાથે આ સંખ્યા 132 થઈ જાય છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન પાસે માત્ર 85 સાંસદો છે. આમ, કુલ અપેક્ષિત મતોમાં NDAને 434 અને ઇન્ડિયા ગઠબંધનને 320 મત મળવાની શક્યતા છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 'ખેલ': આ પક્ષે NDAને સમર્થન આપતાં એકઝાટકે વધી ગયા 11 વોટ 2 - image

Tags :