COVID-19 છેલ્લા 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ,અત્યાર સુંધી 83 દર્દીનાં મોત
નવી દિલ્હી, 5 એપ્રિલ 2020 રવિવાર
દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા કોરોના પોઝિટિવ રિપોર્ટમાં રવિવારની સાંજ સુધીમાં કોરોનાના છેલ્લા 24 કલાક દરમિયાન 505 નવા કેસ નોંધાયા છે.
આ પછી દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા વધીને 3577 થઈ છે જ્યારે મૃત્યુઆંકની કુલ સંખ્યા હવે વધીને 83 થઈ ગઈ છે.
રવિવારે દિલ્હીમાં 58 નવા કેસ
રાજધાની દિલ્હીમાં પણ કોરોના દર્દીઓમાં ઝડપથી વધારો થયો છે. રવિવારે કોરોના પોઝિટિવના 58 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 19 કોરોના પોઝિટિવ દર્દીઓ છે જેમણે તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ત્રણ લોકો વિદેશથી ભારત ફરવા આવ્યા હતા.
દિલ્હીમાં કુલ 503 કોરોના કેસ છે
ત્યાર બાદ રાજધાનીમાં કોરોનાના કુલ 5૦3 સક્રિય કેસ છે. તેમાંથી 320 કોરોના દર્દીઓ છે જેઓ નિઝામુદ્દીનમાં તબલીગી જમાત સાથે જોડાયા હતા. તેમાંથી 61 લોકો વિદેશ મુસાફરી કરીને પાછા ફર્યા છે, જ્યારે 18 લોકોને રજા આપવામાં આવી ચુકી છે.
મહારાષ્ટ્રમાં 113 નવા કેસ નોંધાયા
રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના 113 નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 748 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 56 લોકોને રજા આપવામાં આવી છે.
પંજાબમાં 432 માંથી 422 ઓળખ થઇ
દિલ્હીના નિઝામુદ્દીનનાં તબલીગી જમાતનાં મરકઝમાં ભાગ લેનાર પંજાબનાં 432 લોકોમાંથી 422 લોકોની ઓળખ થઈ છે. પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયએ કહ્યું કે આમાંથી રાજ્યમાં કુલ 350 લોકો છે, જેમના નમૂના લેવામાં આવી ચુક્યા છે. 6 નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ છે, 117 નો રિપોર્ટ નેગેટિવ છે અને 227 નો રિપોર્ટ હજુ બાકી છે.