ઈન્દોરમાં બાલેશ્વર મંદિરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું, વાવ દુર્ઘટનામાં 36એ જીવ ગુમાવ્યા હતા
રામનવમી પર દુર્ઘટના થતા ચારેકોર હાહાકાર મચી ગયો હતો, ભારે પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી
કાર્યવાહી વચ્ચે મીડિયા સહિત દરેકને અટકાવાયા, અડચણ પેદા કરનારાઓ પર લાઠીચાર્જ કરાયો

image : Twitter |
મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના દિવસે વાવ ધસી પડવાની દુર્ઘટનામાં 36 લોકોએ જીવ ગુમાવ્યા બાદ બોધપાઠ લેતા ઈન્દોર નગર નિગમ અને પોલીસે સોમવારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રએ બાલેશ્વર મંદિરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. આ કાર્યવાહી કરતી વખતે ભારે પોલીસ સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ હતી.
કાર્યવાહી વખતે મીડિયાને પણ પ્રવેશ ન અપાયો
નગરનિગમ અહીં ૫ પોકલેન મશીન લઈને પહોંચી છે. તંત્રએ એવા સ્થળોને ચિહ્નિત કર્યા છે જ્યાં વાવ કે કૂવા છે અને જેના પર લોકોએ અતિક્રમણ કરી રાખ્યું છે. તંત્ર દ્વારા આ અતિક્રમણને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સવારે જ્યારે લોકો રામનવમી દુર્ઘટનાવાળા સ્થળે આવેલા મંદિરે પહોંચ્યા તો તેમને બહાર જ અટકાવી દેવાયા હતા. ઝઘડો કરનારા લોકો પર લાઠીઓ વરસાવાઈ હતી. મીડિયાને પણ પ્રવેશ નહોતો અપાયો.
મંદિરના સ્થાનેથી મૂર્તિઓ ખસેડાઈ
માહિતી અનુસાર રવિવારે રાતે 12 વાગ્યે નોટિસ ચોંટાડાઈ હતી. જેસીબી, ડમ્પર રાતે જ આવી ગયા હતા અને સવારે 6 વાગ્યે કાર્યવાહી શરૂ કરાઈ હતી. દરેક ઘરની સામે પોલીસ હાજર રહી હતી. પહેલા નિર્માણાધીન મંદિરની દિવાલો તોડી પડાઈ અને પછી વાવ પર આવેલા મંદિરમાંથી મૂર્તિઓ ખસેડાઈ હતી.

