For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બંગાળ-આસામમાં 500થી વધુ તબલિગી લાપતા, કેટલાકે સીમકાર્ડ બદલ્યાનો ઘટસ્ફોટ

- તબલિગી મૌલાના સાદ લાપતા : 'સેલ્ફ ક્વોરેન્ટાઈન'માં હોવાનું કહ્યું

- તબલિગી જમાતના 400 કોરોના પોઝિટિવ, 9000 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા : સ્વાસ્થ્ય મંત્રાલય

Updated: Apr 2nd, 2020

બંગાળ-આસામમાં 500થી વધુ તબલિગી લાપતા, કેટલાકે સીમકાર્ડ બદલ્યાનો ઘટસ્ફોટ

- તબલિગી જમાતના ૯૬૦ વિદેશી બ્લેકલિસ્ટ, વિઝા નિયમોના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી થશે : ગૃહમંત્રાલય

- દિલ્હીના નિઝામુદ્દિન વિસ્તારમાં ૨૦,૦૦૦ લીટર સેનિટાઝર્સનો છંટકાવ કરાયો 

નવી દિલ્હી/કોલકાતા/ગુવાહાટી, તા. ૨ એપ્રિલ 2020, ગુરૂવાર

નવી દિલ્હીમાં નિઝામુદ્દિન દરગાહમાં ગયા મહિને યોજાયેલા તબલિગી જમાતના કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી હજારો મુસ્લીમો એકત્ર થયા હતા. પશ્ચિમ બંગાળમાંથી ૪૦૦થી વધુ લોકો જ્યારે આસામમાંથી ૧૧૭થી વધુ લોકોએ પણ આ સંમેલનમાં ભાગ લીધો હતો. આ લોકો હાલ આશ્ચર્યજનક રીતે લાપતા છે. કોવિડ-૧૯ સામેની લડતમાં લોકડાઉનના સમયમાં ધાર્મિક સંમેલન યોજવા બદલ સરકારની નજરમાં આવેલ આ કાર્યક્રમમાંથી પશ્ચિમ બંગાળમાં પાછા ફરેલા ૪૦૦થી વધુ લોકોને તંત્ર હજી સુધી ઓળખી શક્યું નથી કે તેમને શોધી શક્યું નથી. એક અહેવાલ મુજબ લાપતા લોકોમાંથી કેટલાકે તેમના સીમ કાર્ડ બદલી નાંખ્યા હોવાથી તેમને શોધવા ખૂબ જ મુશ્કેલ છે.

કેન્દ્ર અને રાજ્યની સલામતી સંસ્થાઓ તેમજ સ્વાસ્થ્ય સંસ્થાઓ માટે ચેતવણીની સ્થિતિ સર્જાઈ છે. તેમણે તબલિગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોને ઓળખીને તેમને ક્વોરન્ટાઈન કરવાનું શરૃ કર્યું છે. ગૃહમંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાંથી અંદાજે ૪૭૩ જેટલા તબલિગીઓ નવી દિલ્હીમાં હાજર હતા. જેમાંથી તંત્રે ૭૩ની ઓળખ કરી લીધી છે. પરંતુ ૪૪ વિદેશીઓ સહિત ૪૦૦ લોકો લોકો હજી લાપતા છે. ૪૪ વિદેશીઓમાં મ્યાંમાર, મલેશિયા અને ઈન્ડોનેશિયાના લોકોનો સમાવેશ થાય છે.

બીજીબાજુ આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિશ્વા શર્માએ જણાવ્યું હતું કે આસામમાં કોવિડ-૧૯ના ૧૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ બધા લોકોએ દિલ્હીમાં તબલિગી જમાતના સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે નવી દિલ્હીના સંમેલનમાં હાજરી આપનારા ૧૧૭ લોકોને શોધી શકાયા નથી. તેથી અમે દિલ્હીના સંમેલનમાં હાજર રહેનારા લોકોના નામ જાહેર કર્યા છે. જેથી તેમના સંપર્કમાં આવનારા લોકો સરકારને આ અંગે માહિતી આપી શકે.

દરમિયાન નિઝામુદ્દીન દરગાહમાં ધાર્મિક સંમેલન યોજનારા તબલિગી જમાતના નેતા મૌલાના સાદ સામે પોલીસે એફઆઈઆર નોંધી છે અને સમગ્ર દેશમાં તેમની શોધખોળ શરૃ કરી છે. આવા સમયમાં ગુરુવારે મૌલાના સાદે જણાવ્યું હતું કે તેઓ ડોક્ટરોની સલાહ પર સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. એક ઓડિયો ક્લિપમાં મૌલાના સાદે જણાવ્યું હતું કે, આ કટોકટીમાં અમે સરકારને મદદ કરવા તૈયાર છીએ. ડોક્ટરોની સલાહને પગલે હું પોતે દિલ્હીમાં સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયો છું.

બીજીબાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તબલિગી જમાત સાથે સંકળાયેલા ૪૦૦ લોકો કોરોના પોઝિટિવ છે જ્યારે ૯,૦૦૦થી વધુ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે, જેમાં ૧૩૦૬ વિદેશી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે આ સિવાય તબલિગી જમાતના લોકોના વધારાના ટેસ્ટિંગ પણ ચાલી રહ્યા છે, જેથી આ લોકોના કેસ વધવાની સંભાવના છે.

દરમિયાન દિલ્હી ફાયર સર્વિસીસના જવાનોએ ગુરુવારે દિલ્હીના નિઝામુદ્દિન વિસ્તારમાં ચાર કલાકના ઓપરેશનમાં ૨૦,૦૦૦ લીટર સેનિટાઈઝરનો છંટકાવ કરીને સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કર્યો હતો. દેશમાં કોરોના વાઈરસના પ્રસારમાં તબલિગી જમાત વ્યાપક સ્તર પર કારણભૂત હોવાના પગલે સરકારે ગુરુવારે વિઝા નિયમોનો ભંગ કરીને આવેલા તબલિગી જમાતના ૯૬૦થી વધુ વિદેશીઓને બ્લેકલિસ્ટ કરી દીધા હતા. ગૃહમંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાંથી પકડાયેલા તબલિગી જમાતના વિદેશીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

Gujarat