Updated: Mar 24th, 2023
નવી દિલ્હી, તા.24 માર્ચ-2023, શુક્રવાર
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી આતિશીએ આજે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીના વિરોધમાં 14 વિપક્ષી પક્ષોએ અવાજ ઉઠાવવાની કવાયત શરૂ કરી દીધી છે. 14 વિપક્ષી પક્ષોએ કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત મનમાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ઉપરાંત આતિશીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ વોશિંગ મશીન બની ગઈ છે. આ વોશિંગ મશીન આરોપી રાજકીય નેતાઓના દાગ ત્યારે ધોવે છે જ્યારે તે (આરોપી નેતા) ભગવા પક્ષનો હાથ પકડી લે છે.
કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ થતો હોવાનો આરોપ
આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષોએ રાજકીય વિરોધીઓ સામે વિવિધ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ થતો હોવાનો આરોપ લગાવ્યો છે અને આ 14 પક્ષો આ મામલાને લઈ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. આ મામલાના અરજદારોએ કોર્ટને વિનંતી કરી છે કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓ દ્વારા ધરપકડ પહેલાં અને બાદમાં અમલમાં મુકાયેલી માર્ગદર્શિકા જારી કરવામાં આવે... જોકે સુપ્રીમ કોર્ટે પણ આ મામલે 5 એપ્રિલે સુનાવણી હાથ ધરવા સંમત થઈ છે.
ભાજપ એક વોશિંગ મશીન : આતિશી
આતિશીએ પત્રકારોને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં જવું એ ભાજપની તાનાશાહી, ભાજપ દ્વારા વિવિધ કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ સામે વિરોધ કરવાનો એક પ્રયાસ છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ એક વોશિંગ મશીન છે. તે (ભાજપ) વિપક્ષી નેતાઓ પણ દબાણ કરવાનો અને તેમને ફસાવવા માટે કેસ દાખલ કરે છે. જો તે ભાજપમાં સામેલ થઈ જાય છે, તો તમામ મામલા બંધ થઈ જાય છે. અસમના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્મા અને શુભેન્દુ અધિકારી ભાજપમાં સામેલ થઈ ગયા અને તેમની સામેના કેસોનો અંત થઈ ગયો...