Monsoon-2025 : દેશમાં ક્યારે આવશે ચોમાસું, કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી
IMD Monsoon-2025 Forecast : ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું છે કે, આ વર્ષે ભારતમાં ચોમાસાની શરુઆત 4 દિવસ વહેલા થશે. સામાન્ય રીતે ચોમાસાની શરુઆત 1 જૂનથી થતી હોય છે પરંતુ, આ વર્ષે ચોમાસું 27 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. વર્ષ 2009માં ચોમાસુ 23 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું.
દેશમાં ચોમાસાની એન્ટ્રીનો ચાર વર્ષનો ડેટા
ગત વર્ષે કેરળમાં 30 મેએ ચોમાસાની એન્ટ્રી થઈ હતી. જ્યારે 2023માં 8 જૂને અને 2022માં 29 મેએ અને 2021માં 3 જૂન, જ્યારે 2020માં પહેલી જૂને ચોમાસાનું આગમન થયું હતું. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરુઆત કેરળમાં 1 જૂન સુધીમાં થઈ જાય છે અને 8 જુલાઈ સુધીમાં આખા દેશને આવરી લે છે. તેમજ 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી અને 15 ઑક્ટોબર સુધીમાં દેશભરમાંથી ચોમાસું વિદાય લઈ લે છે.
સામાન્યથી વધુ વરસાદ પડવાનો અંદાજ
હવામાન વિભાગે 2025માં સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. સામાન્ય રીતે અલ-નીનોની અસરના કારણે સામાન્યથી ઓછો વરસાદ પડે છે, જોકે આ વખતે તેની અસરને નકારવામાં આવી છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ.રવિચંદ્રને કહ્યું કે, ‘આ વર્ષે દેશભરમાં ચાર મહિનાના ચોમાસા દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડવાની આશા છે. આ દરમિયાન 105 ટકા વરસાદ પડી શકે છે, દે 87 ટકા સરેરાશ વરસાદ કરતાં વધુ છે.
નિકોબાર ટાપુઓથી કેરળ 10 દિવસે પહોંચે છે ચોમાસું
ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ચોમાસાની કેરળમાં વહેલી અથવા મોડી એન્ટ્રી થવાનો મતલબ દેશમાં વધુ અથવા ઓછો વરસાદ પડવાનો નથી, તેમાં અન્ય ઘણી અસરો પણ સામેલ હોય છે. તાજેતરમાં જ હવામાન વિભાગે કહ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ દક્ષિણ આંદામાન સમુદ્ર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર ટાપુઓમાં 13 મેના રોજ જ આગળ વધી શકે છે. સામાન્ય રીતે આવું 20 મેની આસપાસ થાય છે, જોકે આ વખતે આવું એક અઠવાડિયા પહેલા થઈ રહ્યું છે. સામાન્ય રીતે ચોમાસાને નિકોબાર ટાપુઓથી કેરળ પહોંચવામાં 10 દિવસનો સમય લાગે છે.
દેશના અર્થતંત્ર માટે ચોમાસુ ખૂબ જ મહત્ત્વનું
હવામાન વિભાગ અનુસાર 96 ટકાથી 104 ટકા સુધીનો વરસાદ સામાન્ય મનાય છે. 90 ટકાથી ઓછો વરસાદ ઓછો અને 90 થી 95 ટકા સુધીનો વરસાદ સામાન્ય કરતાં ઓછો મનાય છે. ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચોમાસુ ખૂબ જ મહત્ત્વનું છે. દેશની 42 ટકા વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે અને આ ક્ષેત્ર દેશના વિકાસમાં 18 ટકા ફાળો આપે છે. દેશના જળાશયો ભરવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે પણ ચોમાસાનો વરસાદ મહત્વપૂર્ણ છે.