IIT કાનપુરમાં 2 વર્ષમાં 7મા વિદ્યાર્થીનો આપઘાત, 3 દિવસથી હોસ્ટેલ રૂમમાં મૃતદેહ લટકતો રહ્યો
Kanpur IIT Student Suicide: કાનપુર આઈઆઈટીના એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. માત્ર બે વર્ષમાં આઈઆઈટીની સાતમી ઘટના છે. આ વિદ્યાર્થીનો શબ ત્રણ દિવસ સુધી રૂમમાં ટીંગાયેલો રહ્યો હતો. પરંતુ કોઈને જાણ થઈ ન હતી.
આઈઆઈટી કાનપુરમાં ધીરજ સૈની નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. બીટેક ફાઈનલ યરના વિદ્યાર્થીએ હોસ્ટેલ નંબર 1માં પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેના આપઘાતના ત્રણ દિવસ બાદ દુર્ગંધ આવતાં ઘટનાની જાણ થઈ હતી. ધીરજે સંભવિત 3 દિવસ પહેલાં આપઘાત કર્યો હોવાનો પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાતનું કારણ અકબંધ
ધીરજ સૈની હરિયાણાનો રહેવાસી છે. કેમિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હોસ્ટેલમાં એકલો રહેતો હતો. બુધવારે તેના રૂમમાંથી દુર્ગંધ આવી રહી હતી અને દુર્ગંધભર્યું પાણી બહાર આવી રહ્યું હતું. જેથી આસપાસના વિદ્યાર્થીઓને શંકા ગી હતી. તેમણે તુરંત આઈઆઈટી તંત્ર અને પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડી શબ બહાર કાઢ્યો હતો. તેના રૂમમાંથી હાલ કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. જેથી આપઘાતનું કારણ અકબંધ છે.
સુરક્ષા પર ઉઠ્યા સવાલ
આ ઘટનાએ ફરી એકવાર આઈઆઈટીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. આઈઆઈટી તંત્રે દાવો કર્યો છે કે, તે દરેક વિદ્યાર્થીનું કાઉન્સિલિંગ કરે છે અને તેના પર નજર રાખે છે, તેમ છતાં છેલ્લા બે વર્ષમાં સાત વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. એસપી રજનીશ કુમાર અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોત પાછળનું સાચું કારણ જાણી શકાશે. મૃતક વિદ્યાર્થી કે તેના રૂમમાંથી કોઈ સ્યુસાઈડ નોટ મળી ન આવતાં શંકા વધી છે. કારણકે, છેલ્લા બે વર્ષમાં આઈઆઈટીમાં બનેલા આપઘાતના સાત બનાવોમાં કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.