શાંતિ જાળવવી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો', CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂર અંગે જુઓ શું કહ્યું
CDS Anil Chauhan's Big Statement: ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ચીન અને પાકિસ્તાનને સીધો મેસેજ આપ્યો છે. તેમણે દેશની સુરક્ષા અને ભવિષ્યની તૈયારીઓ પર પણ ઘણી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ભારત હંમેશા શાંતિનો સમર્થક રહ્યો છે, પરંતુ શક્તિ વિના શાંતિ માત્ર એક કલ્પના બનીને રહી જાય છે.
જનરલ ચૌહાણે ઓપરેશન સિંદૂર અને આગામી સમયમાં ભારતની નવી સંરક્ષણ પ્રણાલી સુદર્શન ચક્ર પર પણ ખુલીને ચર્ચા કરી. CDSએ કહ્યું કે, આધુનિક પડકારોનો સામનો કરવા માટે માત્ર શાંતિની ઈચ્છા પૂરતી નથી, પરંતુ તેની સાથે-સાથે વ્યૂહાત્મક શક્તિ અને તૈયારીઓ પણ જરૂરી છે. તેમણે કહ્યું કે, સુદર્શન ચક્ર દેશના લશ્કરી અને નાગરિક સ્થળોનું રક્ષણ તો કરશે જ, પરંતુ આ સાથે જ તે ભારતની સંરક્ષણ વ્યૂહરચનામાં એક નવી દિશા પણ નક્કી કરશે.
શક્તિ વિના શાંતિ માત્ર એક કલ્પના
CDS ચૌહાણે સ્પષ્ટતા કર્યું છે કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે, પરંતુ શક્તિ વિના શાંતિ માત્ર એક કલ્પના છે. ભારત એક શાંતિપ્રિય રાષ્ટ્ર છે, પરંતુ આપણને કોઈપણ સંજોગોમાં શાંતિવાદી ન સમજવું જોઈએ. શાંતિ જાળવવા માટે શક્તિ જરૂરી છે. કારણ કે એક લેટિન કહેવત છે કે જો તમારે શાંતિ જાળવવી હોય, તો યુદ્ધ માટે તૈયાર રહો.
ઓપરેશન સિંદૂર અંગે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તે એક આધુનિક સંઘર્ષ હતો જેમાંથી ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવા મળ્યા છે. ઘણા સુધારા લાગુ કરવામાં આવી ચૂક્યા છે અને કેટલાક પર કામ ચાલી રહ્યું છે. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે, પરંતુ આ સેમિનારનો હેતુ ઓપરેશન સિંદૂરની ચર્ચા કરવાનો નથી, પરંતુ તેની આગળની વ્યૂહરચના વિશે વાત કરવાનો છે.
આ પણ વાંચો: BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક
ભારતની નવી સંરક્ષણ પ્રણાલી સુદર્શન ચક્ર અંગે તેમણે કહ્યું કે, વડાપ્રધાને 15 ઓગસ્ટના રોજ તેનો ઉલ્લેખ કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે તે 2035 સુધીમાં તૈયાર થઈ જશે. આ સિસ્ટમ ભારતના મહત્વપૂર્ણ લશ્કરી, નાગરિક અને રાષ્ટ્રીય સ્થળોને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.