ઓપન એન્ડ શટ કેસ, પુરાવા મળતાં કોંગ્રેસને પણ નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી બનાવીશું : ED
- સોનિયા-રાહુલ સામેનો આ ઓપન એન્ડ શટ કેસ : કોર્ટમાં ઇડીનો દાવો
- કોંગ્રેસે 90 કરોડની લોન આપી બદલામાં ગાંધી પરિવારે એજેએલની કરોડોની સંપત્તિ માત્ર 50 લાખમાં હડપી લીધી : એજન્સી
- વર્ષોથી ઇડીએ કઇ જ ના કર્યું ને એક ખાનગી ફરિયાદ પકડી લીધી, આ વિચિત્ર કેસમાં કોઇ સંપત્તિ જ નથી : કોર્ટમાં સોનિયા
Rahul and Sonia Gandhi Case : દિલ્હીની વિશેષ કોર્ટમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દૈનિક સુનાવણી ચાલી રહી છે. કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઇડીએ કોર્ટને કહ્યું હતું કે આ ઓપન એન્ડ શટ કેસ છે. જ્યારે કોર્ટે ઇડીને સવાલ કર્યો હતો કે શું આ કેસમાં કોંગ્રેસ પક્ષને પણ આરોપી બનાવવામાં આવ્યો છે ?
કોર્ટમાં ઇડી તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજૂએ કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ બે હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હડપી લેવા માટે કાવતરુ ઘડયું હતું. કોંગ્રેસે એસોસિએટેડ જર્નલ્સ લિ. (એજેએલ)ને 90 કરોડ રૂપિયા ઉધાર આપ્યા, બાદમાં તેને તેને ચુકવવાના બહાને યંગ ઇન્ડિયાના નામે સંપત્તિ ટ્રાન્સફર કરી દેવામાં આવી. યંગ ઇન્ડિયનને આ સંપત્તિ માત્ર 50 લાખ રૂપિયામાં સોંપી દેવામાં આવી. કોંગ્રેસ નેતાઓએ બનાવટી ડોનેશન અને ભાડાના નામે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જેથી એજેએલની સંપત્તિને પોતાના નિયંત્રણમાં લઇ શકાય.
બાદમાં કોર્ટે ઇડીને પૂછ્યું હતું કે વર્ષ 2010 પહેલા એએલજેનું શેરહોલ્ડિંગ કોની પાસે હતું? શંુ કોંગ્રેસ પક્ષને પણ આ કેસમાં આરોપી બનાવી શકાય તેમ છે? જેના જવાબમાં ઇડીએ કહ્યું હતું કે હાલ કોંગ્રેસને આરોપી બનાવવામાં નથી આવ્યો, જોકે તપાસમાં આગળ જતા વધુ પુરાવા મળ્યા તો કોંગ્રેસને પણ આરોપી બનાવવામાં આવી શકે છે. એજેએલ પાસે દિલ્હી, લખનઉ, ભોપાલ, ઇંદોર, પંચકૂલા અને પટના સહિત અનેક શહેરોમાં સંપત્તિ છે. ગાંધી પરિવારે યંગ ઇન્ડિયન દ્વારા આ સંપત્તિઓ પોતાના કબજામાં લઇ લીધી. ગાંધી પરિવાર પાસે યંગ ઇન્ડિયનના 76 ટકા શેર છે, યંગ ઇન્ડિયન એજેએલની આ સંપત્તિ હડપી લેવાનું માત્ર એક સાધન હતું. આ મની લોન્ડરિંગનો ક્લાસિક ઓપન એન્ડ શટ કેસ છે.
જ્યારે આ કેસમાં સોનિયા ગાંધીનો બચાવ કરી રહેલા વરીષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ એવી દલીલ કરી હતી કે આ ખરેખર બહુ જ વિચિત્ર પ્રકારનો મામલો છે, કહેવાતા મની લોન્ડરિંગના આ મામલામાં કોઇ સંપત્તિ જ નથી, સોનિયા ગાંધીના નામે વધુ શેર મુદ્દે જવાબ આપતા સિંઘવીએ કહ્યું હતું કે આ પ્રક્રિયા માત્ર એજેએલને દેવામાંથી મુક્ત કરવા માટે હતી, યંગ ઇન્ડિયન કંપની નફો કમાવવા માટે નહોતી, વર્ષો સુધી ઇડીએ કઇ જ ના કર્યું અને આ એક પ્રાઇવેટ ફરિયાદ પકડી લીધી, આ કેસમાં કોર્ટને સુનાવણીનો પણ અધિકાર નથી.