એરલાઈન્સ પ્રવાસીની મંજૂરી વગર ટિકિટ ડાઉનગ્રેડ કરે તો રિફંડ આપવું પડશે

Updated: Jan 25th, 2023


નવી જોગવાઈ મુજબ, 75 ટકા સુધી રકમ પરત કરવામાં આવશે

ડીજીસીએ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે અલગ-અલગ માપદંડો જાહેર કરવામાં આવ્યા 

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતીય એરલાઈન્સની ખામીઓ સામે આવી રહી છે અને તેના કારણે યાત્રીઓએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રીઓની સુવિધાઓને ધ્યાને લઇને ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશને  નવા નિર્ણયો લીધા છે. આ નિયમ મુજબ એરલાઈન્સ દ્વારા ટિકિટ ડાઉનગ્રેડ કરાતા યાત્રીને ૭૫ ટકા સુધી રિફંડ આપવામાં આવશે. આ સાથે જ તેમણે એરલાઈન્સની મનમાની રોકવા માટે સિવિલ એવિયેશન રિક્વાયરમેંટમાં સંશોધન કર્યા છે. આ નિર્ણયો બાદ યાત્રીઓની સુવિધાઓમાં વધારો થશે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશને કોઈપણ યાત્રીને બોર્ડિગથી રોકવા, ફ્લાઈટ કેન્સલ થવા તેમજ એરલાઈન્સ દ્વારા ટિકિટને લોઅર ક્લાસમાં શિફ્ટ કરવાને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે. યાત્રીને જાણ કર્યા સિવાય ટિકિટ ડાઉનગ્રેડ કરાતા ઘણા વિવાદો થતા હતા. નવા નિયમ મુજબ, કલાસ ડાઉનગ્રેડ કરવા પર એરલાઈન્સે યાત્રીને ટેક્સ સહિત રૂપિયા પાછા આપવા પડશે. આ રિફંડના નિયમો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ માટે અલગ-અલગ નક્કી કરવામાં આવ્યા છે. 

દેશની કોઈપણ ફલાઈટમાં ટિકિટના ટેકસ સહિત ૭૫ ટકા રકમ પાછી આપવામાં આવશે. જ્યારે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે ત્રણ અલગ સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. આ મુજબ, ૧,૫૦૦ કિમીથી ઓછા અંતરની ફ્લાઈટમાં ટેક્સ સહિત ટિકિટની કિંમતના ૩૦ ટકા પરત કરવામાં આવશે. જ્યારે, ૧,૫૦૦ થી ૧,૮૦૦ કિમીના અંતરની ફ્લાઈટમાં ૫૦ ટકા અને ૩,૫૦૦ કિમીથી વધુ અંતરની ફલાઈટમાં ટેકસ સહિત ૭૫ ટકા રકમ પરત કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, આ નવા નિયમો ફકત ટિકિટ ડાઉનગ્રેડ સિવાયના મામલાઓમાં પણ લાગુ પડશે. નવા નિયમો મુજબ, ફ્લાઈટ બોર્ડ કરવાની મનાઈ કરવા પર અને વિના કારણ ટિકિટ કેન્સલ કરવા પર પણ નવા નિયમો લાગુ પડશે. છેલ્લા ઘણા સમયથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ફરિયાદો મળી રહી હતી કે, ઘણી એરલાઈન્સ યાત્રીઓને લીધા વગર નીકળી જાય છે. આવી પરિસ્થિતીમાં યાત્રીઓના સમય અને નાણાનો વ્યય થાય છે. નવા નિયમોને કારણે આવા કિસ્સાઓમાં ઘટાડો થવાની આશા છે.   


    Sports

    RECENT NEWS