'મેં મહારાષ્ટ્ર માટે લોહી વહાવ્યું, ત્યારે તમારા યોદ્ધા ક્યાં હતા?', ભાષા વિવાદ વચ્ચે ભૂતપૂર્વ કમાન્ડરનો રાજ ઠાકરેને સવાલ
Maharashtra Marathi-Hindi Language Row: મહારાષ્ટ્રમાં ભાષા મુદ્દે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિવાદ વચ્ચે ભારતીય સેનાના એક પૂર્વ જવાને રાજ ઠાકરેને સવાલ પૂછી સલાહ આપી છે. કમાન્ડો ફોર્સના એક પૂર્વ જવાને રાજ ઠાકરેને સવાલ કર્યો છે કે, મુંબઈ પર આતંકી હુમલા દરમિયાન તમારા યોદ્ધા ક્યાં હતાં?
પ્રવીણ કુમાર તેવતિયાના નામના એક જવાને 26/11 મુંબઈ હુમલા દરમિયાન અનેક લોકોના જીવ બચાવ્યા હતાં. તેમણે તાજ હોટલમાં 150 લોકોના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ જવાને રાજ ઠાકરેને સલાહ આપી છે કે, હું ઉત્તર પ્રદેશનો રહેવાસી છું. મેં મહારાષ્ટ્ર માટે મારૂ લોહી વહાવ્યું છે. ભાષાના નામ પર દેશના ભાગલા પાડશો નહીં.
સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
પ્રવીણ કુમાર તેવતિયા મરીન કમાન્ડો ફોર્સ (માર્કોસ)માં હતાં. તેમણે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તે યુનિફોર્મ પહેરી સ્મિત કરતાં જોવા મળી રહ્યા છે. તેમના બુલેટપ્રુફ જેકેટ પર યુપી લખ્યું હતું. તેમના ગળામાં બંદૂક હતી. જેમાં કેપ્શન લખી હતી કે, મેં 26/11 હુમલામાં મુંબઈને બચાવ્યું છે. હું યુપીથી છું અને મેં મહારાષ્ટ્ર માટે લોહી વહાવ્યું છે. મેં તાજ હોટલને બચાવી છે. તે સમયે રાજ ઠાકરેના કથિત યોદ્ધાઓ ક્યાં હતાં? દેશના ભાગલા પાડશો નહીં. સ્મિતની કોઈ ભાષા હોતી નથી.
150 લોકોને બચાવ્યા હતા
પ્રવીણ કુમારે મુંબઈ આતંકી હુમલા દરમિયાન પોતાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમની ટીમ તાજ હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા મહત્ત્વપૂર્ણ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનમાં પ્રવીણ ઘાયલ થયા હતા. તેમને ચાર ગોળીઓ વાગી હતી. પરંતુ તેમની ત્વરિત કાર્યવાહીના કારણે ઓછામાં ઓછા 150 લોકોના જીવ બચાવ્યા હતાં.
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. મનસે અને શિવસેના (યુબીટી)ના કથિત નેતાઓ અને કાર્યકરો સ્થાનિકોને મરાઠી બોલવા મજબૂર કરી રહ્યા છે. તેમજ મરાઠી ન બોલવા બદલ ધોલાઈ પણ કરી રહ્યા છે. તેમના કાર્યકરોના આ વલણને ઠાકરે બંધુઓએ યોગ્ય ગણાવ્યું છે. જો કે, મહારાષ્ટ્ર સરકાર સહિત ચારેકોર આ વલણની આકરી ટીકા થઈ રહી છે. નોંધનીય છે કે, વર્ષોથી ચાલી રહેલા ઝઘડાનો અંત લાવી ઠાકરે બંધુઓ ભાષા વિવાદ મુદ્દે એકજૂટ થયા છે.